સ્લોવેનિયામાં મહિલાઓને મળી ઐતિહાસિક જીત, આવો કાયદો બનાવનારો 13મો યુરોપિયન દેશ બન્યો

June 09, 2021

- હવે, સ્લોવેનિયામાં પણ સંમતિ વગરના સેક્સને બળાત્કાર ગણાશે
- દેશની સંસદે આ મુદ્દે કાયદો સુધાર્યો, મહિલાઓની ઐતિહાસિક જીત : એમ્નેસ્ટી


લુબ્લિયાના- હવે, યુરોપીય દેશ સ્લોવેનિયામાં પણ સ્ત્રીની સંમતિ વિના એની સાથે કરાતા સેક્સને બાળાત્કાર ગણવામાં આવશે. દેશની સંસદે એના ક્રિમિનલ કોડમાં આ સંબંધે સુધારો કર્યો છે.  સ્લોવેનિયાએ ઇ.સ.2015માં જેને મંજૂરી આપી એ ઇસ્તંબુલ સંમેલન અંતર્ગત બળાત્કાર તથા જાતીય પ્રકારના, (સ્ત્રીની) સંમતિ વિહોણા અન્ય તમામ કૃત્યોને ફોજદારી ગુન્હો ગણવામાં આવશે. અત્યાર સુધી સ્લોવેનિયાના ફોજદારી ગુન્હાસંબંધી કાયદોઓમાં કોઇ કૃત્યને બળાત્કાર ગણવા માટે, બળપ્રયોગ થયો હોવાનો કે બળપ્રયોગ અને હિંસાની ધમકી આપી હોવાનો પુરાવો જરૂરી બનતો હતો. 
હવે જે કાયદાકીય સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે એ દેશના જાગૃત નાગરિકો અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિતના સિવિલ સોસાયટી ગૃપોએ ચલાવેલી દીર્ધ ઝુંબેશનું પરિણામ છે. 


બેલ્જિયમ, ક્રોએશિયા, સાયપ્રસ, ડેન્માર્ક, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લકઝમબર્ગ, માલ્ટા, સ્વીડન અને બ્રિટન પછી સ્લોવેનિયા, બળાત્કારની વ્યાખ્યા બદલનારો, પુરોપિયન ઇકોનોમિક એરિયાનો 13મો દેશ બન્યો છે. સ્પેન તથા નેધરલેન્ડસમાં પણ આ પ્રકારના ખરડા વિષે ચર્ચા - મસલત ચાલી રહ્યા છે.  એમ્નેસ્ટી ઇન્ટનેશનલના યુરોપના નિયામક નિલ્સ મુઇઝનિએક્સે સ્લોવેનિયામાં બદલાયેલી ઉપરોક્ત કાયદાકીય પરિસ્થિતિ વિષેના પ્રતિભાવમાં, એને સ્લોવેનિયાની નારી શક્તિની ઐતિહાસિક જીત તથા સંસ્કૃતિ, અભિગમ તથા વ્યવહારને બદલવાના માર્ગ પરનું મહત્ત્વપૂર્ણ ડગલું ગણાવ્યા છે. જો કે જાતિમુદ્દે અસ્તિત્વ ધરાવતા વિચારોને પડકારવા માટે હજી ઘણું બધું કામ બાકી છે. એમ નિલ્સે ઉમેર્યું.