અફઘાનિસ્તાનમાં મહિલા ટીવી એન્કરો મોઢું ઢાંકે : તાલિબાની ફરમાન

May 22, 2022

તાલિબાની રાજમાં મહિલાઓ પર એક પછી એક પ્રતિબંધો
- આદેશનો અમલ ન કરનારી ચેનલો સામે શિક્ષાત્મક પગલાં ભરાશે: પ્રસારણ -સાંસ્કૃતિક મંત્રાલયની ધમકી 
કાબુલ : અફઘાનિસ્તાનનો કબજો તાલિબાની આતંકવાદીઓ લીધો છે ત્યારથી મહિલાઓ સામે એક પછી એક પ્રતિબંધો મૂકાઈ રહ્યા છે. તાલિબાની સરકારે મહિલા ટીવી એન્કરોને મોઢું ઢાંકીને ટીવીમાં દેખાવાનું ફરમાન છોડયું છે.
તાલિબાન સરકારના પ્રસારણ અને સાંસ્કૃતિક મંત્રાલયે તમામ ટીવી ચેનલોને ધમકીભરી નોટિસ પાઠવીને કહ્યું છે કે તમામ મહિલા ટીવી એન્કરોએ ટીવીમાં દેખાતા પહેલાં ચહેરો ઢાંકવો પડશે. આ છેલ્લી નોટિસ છે અને એમાં કોઈ બાંધછોડ થશે નહીં. જે ટીવી ચેનલો કે એન્કર આદેશનો અમલ નહીં કરે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરાશે.


સ્થાનિક મીડિયાએ આ ફરમાન છૂટયું હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. કેટલીક મહિલા ટીવી એન્કરોએ તો ચહેરો ઢાંકીને ટીવી પ્રોગ્રામ રજૂ કર્યો હોવાની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં મૂકી હતી. અફઘાનિસ્તાનની જાણીતી ટીવી એન્કર યાલ્દા અલીએ ફેસ માસ્ક પહેરીને એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું: મહિલાઓની ઓળખ ભૂંસાઈ રહી છે.


અગાઉ અફઘાનિસ્તાનમાં મહિલાઓને કપડાં પહેરવાથી લઈને  બહાર નીકળવા સુધીના તાલિબાની ફરમાનો થઈ ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓએ હિઝાબ પહેરવો ફરજિયાત બનાવાયો હતો. તે એટલે સુધી કે યુએનનું મદદ માટેનું જે મિશન ચાલે છે તેમાં પણ મહિલાઓને હિઝાબ પહેરવો ફરજિયાત કરાયો હતો.