ગોંડલ પાલિકાનાં બે સદસ્યો સહિત છ શખ્સો દ્વારા શ્રમજીવીની હત્યા

February 09, 2020

ભરૂડી - ભુણાવા રોડ પરથી મળેલી લાશની તપાસમાં ઘટસ્ફોટ


ગોંડલ-  ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ભુણાવા પાસે હત્યા કરાયેલ હાલત માં અજાણ્યા યુવાનની લાશ મળી આવ્યાની ગણતરીની કલાકોમાં જ પોલીસે મર્ડરનું ડિટેકશન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં ગોંડલ નગરપાલિકાના બે સદસ્યોની સંડોવણી ખુલતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. કારખાનામાં ચોરીની શંકાથી રાજસ્થાની શ્રમિકને બન્ને સુધરાઇ સભ્યો સહિત છ શખ્સોએ અમાનુષી માર મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ નાસી છૂટયા હતા. જેમની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. 

ગુરુવાર સાંજે પાંચ વાગ્યે ભરૂડી ભુણાવા રોડ પર આશરે ૩૫ વર્ષની ઉંમરના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું હતું  અને ગણતરીની કલાકોમાં જ પોલીસતંત્ર દ્વારા ભેદ ઉકેલી નાંખતા સનસનીખેજ ઘટસ્ફોટ થયો હતો.  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂડી-  ભુણાવા પાસે પેન્ટાગોન નામનું કારખાનું આવેલું છે.


જ્યાં કારખાનામાં જ રસોઇનું કામ કરતો શંકરરામ તરતાલાલ ચૌહાણ (ઉં.વ. ૩૫, મૂળ રહેવાસી નંદસમા, તાલુકો ગોગુંદા, રાજસ્થાન) શંકાસ્પદ રીતે મધરાત્રે ઓફિસમાં આટા ફેરા કરતો સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો. જેથી ગોંડલ નગરપાલિકાની વીજળી શાખાના ચેરમેન એવા ભાજપના સદસ્ય રવિ પ્રવીણભાઈ કાલરીયા તેમજ વિરોધ પક્ષના સદસ્ય શૈલેષ રોકડ ઉપરાંત  અક્ષય ઉર્ફે ભાણો રમણીકભાઈ ચોવટીયા, પેન્ટાગોન કારખાના ભાગીદાર વિનોદ ગોપાલભાઈ ડઢાણીયા, અશોક રૈયાણી અને આશિષ ટીલવાએ એકઠા થઇ કારખાનાના ફળિયામાં શંકરરામને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામં પલ્ટાયો હતો. જેથી તેઓએ કારખાનાનાં  સીસીટીવી કેમેરાના ફૂટેજને પણ ડીલીટ કરી નાખી પુરાવાનો નાશ કરવાની કોશીષ કરી હતી.

પેન્ટાગોન કારખાનામાં માત્ર પંદર દિવસ પહેલા જ શંકરરામ રસોઇ કામ કરવા માટે  ઘટનાને જોનાર કારખાનાનાં કર્મચારી લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણની ફરિયાદ પરથી ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં ફરિયાદી લક્ષ્મણસિંહ ચૌહાણે પોલીસને જણાવ્યું હતું કે, બન્ને સુધરાઇ સભ્યો સહિત છ શખ્સો શંકરરામ ને માર મારી રહ્યા હતા ત્યારે મને પણ કારખાનામાં ચાલ્યા જવા ધમકી આપી  તારી પણ આવી જ હાલત થશે તેવું કહ્યું હતું. બાદમાં શંકરરામના કૌટુંબિક ભાઈઓ ભવરદાસ અને ખીમદાસને મેં મોબાઈલથી જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા, શંકરરામ ઢોર મારના કારણે ઢળી પડયો હતો છતાં આ શખ્સોનું હજુ પેટ ભરાયું ન હોય ચા-નાસ્તાનો ઓર્ડર આપી ચાની ચૂસકીઓ મારી સિન જમાવ્યો હતો.
માત્ર ચોરીની શંકાએ શંકરરામ ને આ છ શખ્સો એ પાઈપ અને ધોકા વડે બેરહેમીપુર્વક  માર માર્યો હતો જેમાં શંકરરામને પીઠ, ડાબો હાથ, બેઠક તેમજ પગની પિંડીના ભાગે ગંભીર ઈજાઓ  સાથે આંતરિક ઇજાઓ પણ થઇ હતી અને તેનું મોત નિપજ્યું  હતું.