વિશ્વ બેન્કે ભારતનો GDP ગ્રોથ 6.5%થી 6.9%નો કર્યો

December 07, 2022

ઇકોનોમીનાં કેટલાક ફંડામેન્ટલ્સ મજબૂત હોવાનાં નિર્દેશો મળી રહ્યા છે ત્યારે વર્લ્ડ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે GDP ગ્રોથનો અંદાજ અગાઉનાં 6.5 ટકાથી વધારીને 6.9 ટકા કરવામાં આવ્યો છે. ભારતનું અર્થતંત્ર બાહ્ય વૈશ્વિક પરિબળોનો સામનો કરી રહ્યું છે અને જુલાઈથી સપ્ટેમ્બરમાં તે વધુ મજબૂત બન્યું છે ત્યારે જીડીપી ગ્રોથ વધશે તેવી ધારણા છે.

અગાઉ ઓક્ટોબરમાં વર્લ્ડ બેન્ક દ્વારા જ ભારતનો GDP ગ્રોથનો અંદાજ 7.5 ટકાથી ઘટાડીને 6.5 ટકાનો કરાયો હતો. બાહ્ય વૈશ્વિક સ્થિતિ રશિયા અને યૂક્રેન યુદ્ધને કારણે ડામાડોળ છે ત્યારે ગયા વર્ષનાં 8.7 ટકાનાં ગ્રોથ સામે આ વર્ષે 6.9 ટકાના અંદાજને નિષ્ણાતો દ્વારા મોટો ઘટાડો માનવામાં આવે છે.

વર્લ્ડ બેન્કનાં ભારત ખાતેનાં કન્ટ્રી ડિરેક્ટર ઓગસ્ટે કોઉમેએ જણાવ્યું હતું કે, વિશ્વનાં વણસેલા બાહ્ય પરિબળોનો ભારતીય અર્થતંત્ર દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે જેને પરિણામે મજબૂત મેક્રો ઇકોનોમિક પરિબળોથી ઇકોનોમી સંગીન બની રહી છે. બેન્કે કહ્યું હતું કે આ વર્ષે રિટેલ ફુગાવાનો દર 7.1 ટકા રહી શકે છે. RBI એ 7 ટકાનાં દરે ઇકોનોમી ગ્રોથ પામશે તેવો અંદાજ રજૂ કર્યો છે.