ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ

March 25, 2020

નવીદિલ્હીઃ કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. ગઈ કાલે મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો. આ સાથે જ ઈટાલીમાં કુલ મૃતાંકની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધારે છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે.
ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 24 કલાકમાં 743 લોકોના મોત થયા છે. સાથે 5249 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 69176 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક 6820 થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે વણસી છે કે, ઈટાલીમાં અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અનેક પરિવારજનો પોતાના નજીકનાઓને અંતિમ ગુડ બાય પણ નથી કરી શકતા. મરનારાઓની સંખ્યા એટલી બધી વધારે છે કે, લાશો અન્ય શહેરોમાં દફનાવવામાં આવી રહી છે. આ ભયાનક જનારો ઈટાલીને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી રહ્યો છે.