સિનિયર એડવોકેટનો દરજ્જો પરત મેળવવા યતીન ઓઝા સુપ્રીમ કોર્ટમાં

August 05, 2020

- દરજ્જો પરત લેવાનો નિર્ણય બંધારણીય અધિકાર પર તરાપ સમાન હોવાની રજૂઆત


અમદાવાદ- ગુજરાત હાઇકોર્ટના સીનિયર એડવોકેટનો દરજ્જો પરત મેળવવા માટે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે. પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દરજ્જો પરત લેવાનો નિર્ણય તેમના બંધારણીય અધિકાર પર તરાપ સમાન છે.

પિટિશનની સુનાવણી પાંચમી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે અનુભવ ધરાવતા વકીલને લાંબી પ્રક્રિયાને અંતે સીનિયર એડવોકેટનો દરજ્જો આપવામાં આવે છે.

અમુક તથ્યો અને ઘટનાઓના આધારે આવી રીતે ચેમ્બરમાં બેસેલી ફૂલ કોર્ટ સીનિયર એડવોકેટનો દરજ્જો લેવાનો  નિર્ણય કરી શકે નહીં. તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટ તિરસ્કાર)ની કાયાવાહી ચાલી રહી હતી તો આ દરજ્જો પરત લેતાં પહેલાં તેમનો પક્ષ સાંભળવો જરૂરી છે. 

કોર્ટની રજિસ્ટ્રીની ટીકા કરવા બદલ આવી રીતે પદ પરત લેવાયું હોય તેવો કોઇ કેસ અત્યાર સુધીમાં બન્યો નથી. આ પગલું વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર ઠંડા ઘા સમાન છે. પિટિશનનું લિસ્ટીંગ પાંચમી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

હાઇકોર્ટે 27મી જુલાઇના રોજ એક નોટિફિકેશન જારી કરી કર્યું છે કે 25-10-1999ના રોજ ફૂલકોર્ટ દ્વારા યતીન ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
18-7-2020ના રોજ ફૂલકોર્ટ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે તે યતીન ઓઝાને આપવામાં આવેલો સીનિયર એડવોકેટનો દરજજો પરત લેવામાં આવે છે. હાઇકોર્ટના વહીવટી વિભાગ સામે ગંભીર આક્ષેપો બદલ યતીન ઓઝા સામે સુઓમોટો ક્રિમીનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.