યસ બેંક કૌભાંડ ઃ લોનના બદલામાં 307 કરોડની લાંચ મંગાઈ

March 14, 2020

Yes Bankના રાણા કપૂર અને પત્ની સામે CBIનો નવો કેસ


નવી દિલ્હી- સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)એ યસ બેંકના સ્થાપક રાણા કપૂર સામે  નવો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા નવા કેસમાં રાણા કપૂર અને તેમના પત્ની સહિત અન્યના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
સીબીઆઇ યસ બેંક કેસમાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. સીબીઆઇએ રાણા કપૂરના દિલ્હી અને મુંબઇના રહેઠાણોમાં પણ દરોડા પાડયા હતાં. 
સીબીઆઇએ દાખલ કરેલા નવા કેસમાં આરોપ મૂક્યો છે કે રાણા કપૂર અને તેમના પત્ની બિંદુએ એક રિયલ્ટી કંપનીને 1900 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં  આ કંપની પાસેથી દિલ્હીમાં એક બંગલો અડધી કીંમતે ખરીદ્યો હતો.
આ સોદામાં રાણા કપૂર અને બિંદુને 307 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો એટલે કે લોનના આપવાના બદલામા દંપતિએ રિયલ્ટી કંપની પાસેથી 307 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. 
એજન્સીને શંકા છે કે અમૃતા શેરગિલ માર્ગ પર આવેલ 1.2 એક્રનો બંગલો લાંચ સ્વરૂપે અડધી રકમે બ્લીસ એબોડે પ્રા. લિ. વતી આપવામાં આવ્યો હતો. આ લાંચના બદલામાં 1900 કરોડની લોન ગૌતમ થાપર પ્રમોટેડ કંપની અવન્થા રિયલ્ટી એન્ડ ગુ્રપ કંપનીઓને આપવામાં આવી હતી. 
કપૂરના પત્ની બિન્દુ બ્લીસ એબોડે પ્રાઇવેટ લિમિટેડના બે ડાયરેક્ટરો પૈકીના એક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ આજે ઇન્ડિયન પીનલ કોડ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇઓ હેઠળ ગૌતમ થાપર, રાણા કપૂર અને તેમના પત્ની બિંદુ સામે કેસ દાખલ કર્યો છે. 
એજન્સીએ આજે રાણા કપૂર અને તમના પત્ની બિંદુની મુંબઇ સ્થિતઓફિસ અને રહેઠાણ, બ્લીસ એબોડે, અવન્થા રિયલ્ટી અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની દિલ્હી અને એનસીઆરની ઓફિસોમાં દરોડા પાડયા હતાં. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે રાણા કપૂરે 378 કરોડમાં ખરીદેલા બંગલાને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડને મોર્ગેજ કરી 685 કરોડ રૂપિયાની લોન મેળવી હતી.