તમારી બેદરકારી તમારાં જ બાળકોને ભારે પડી શકે છે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ પરિવારમાંથી જ ફેલાય છે

April 06, 2021

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ખૂબજ વધ્યાં છે. સંક્રમણની બીજી લહેરમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા બાળકો દાખલ અને ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસો ખૂબ જ વધ્યાં છે. તેમણે એવું કહ્યું હતું કે ઘરના જ સભ્યોની બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. જેથી બાળકોની સાચવણી ખૂબજ જરૂરી છે.

બાળકોમાં કોરોનાવાયરસનાં લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમિટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે.