યુવરાજ સિંહ અને હેઝલ કીચે સાડા ચાર મહિના બાદ બતાવી જુનિયર યુવરાજની પહેલી જલક

May 10, 2022

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કીચ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. મધર્સ ડે પર હેઝલ અને યુવરાજે પોતાના ખુશીઓના ખજાના સાથેની સુંદર યાદોને વાગોળતાં પેરેન્ટ્સ બની શક્યા તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સાથે જ દીકરાની તસવીર પણ શેર કરી છે.

હેઝલે ઈન્સ્ટાગ્રામ પર આઠ તસવીરો શેર કરી છે. જેમાં તેનો દીકરો, મમ્મી, માસી, બહેન, નાની વગેરેની ઝલક જોવા મળે છે. હેઝલે તસવીરો શેર કરતાં લખ્યું, "માતૃત્વમાં મને સાથ આપનારી, મારા મુશ્કેલ સમયમાં મને સંભાળનારી, સાંભળનારી અને સાંત્વના આપનારી, પડકારનારી, બદલનારી અને પ્રેમ કરનારી મારી માતાઓને સમર્પિત."

"તમારા બધાના સાથ વિના આજે હું એક મા ના હોત. તમે મને પરિવારનું મૂલ્ય સમજાવ્યું છે. આપણે બેસ્ટ ફ્રેન્ડ હોવું જરૂરી નથી, આપણે લડીએ છીએ છતાં એકબીજાની પડખે રહીએ છીએ. હું તમને પ્રેમ કરું છું અને કદર પણ. આપણને સૌને મધર્સ ડેની શુભકામના."