ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ

August 06, 2022

  • ઓસામા બિન લાદેનની વફાદારીમાં ઝવાહિરન આખા પરિવારની કુરબાની
  • અમેરિકાએ આતંકી હુમલાનો 21 વર્ષે પણ બદલો લઈને અનેકને સંદેશ આપી દીધો કે તેની સાથે દુશ્મની કરનાર કે ખોટુ કરનારને તે કયારેય છોડશે નહીં
દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અને એક સમયે આખી દુનિયા જેના નામથી થથરતી હતી તે આતંકવાદી અયમાન અલ ઝવાહિરીને અમેરિકાએ આખરે પતાવી દીધો. આ સાથે જ યુએસએ દુનિયાને સંદેશ આપ્યો કે, તેની સાથે દુશ્મની રાખનારને તે કયારેય છોડતો નથી. અમેરિકામાં 9-11નો હુમલો થયા બાદ તેમાં સામેલ આતંકવાદીઓને શોધી શોધીને મારવા તે જ યુએસનો ટાર્ગેટ હતો. ઝવાહિરીને મારી નાંખ્યો હોવાની જાહેરાત અમેરિકના પ્રમુખ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન દરમિયાન કરી. 
અમેરિકાએ ઝવાહિર સામે ભરેલા આકરા પગલા પાછળ મુખ્ય બે કારણો છે. અમેરિકાએ ઝવાહિરીને મોતને ઘાત ઉતારી દઈને નાઈન ઈલેવનના હુમલાનો બદલો તો લીધો જ છે પણ તેની સાથે સાથે પોતાની તાકાત પણ સાબિત કરી છે. 21 વર્ષ પહેલા ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના મોહમ્મદ અટ્ટા સહિતના આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તથા અમેરિકાના લશ્કરી હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ઘૂસાડી દીધા હતા.
આ હુમલાથી ભારે તબાહી થવા સાથે આખી દુનિયામાં અમેરિકાનું નાક કપાયુ હતુ. તેથી અમેરિકા આ હુમલાનો બદલો કયારેક પણ લેશે તે નક્કી જ હતી. ઘટનાના 10 વર્ષ બાદ 9-11ના સૂત્રધાર મનાતા લાદેનને મારી નાંખી અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતુ કે તેની સાથે કોઈપણ રીતે દુશ્મની કરનાર કે ખોટુ કરનારને તે છોડશે નહીં. લાદેનના ખાત્મા પછી  ઝવાહિરીને મારી નાંખવો એ જ તેનું લક્ષ્ય હતુ. આખરે ઝવાહિરનો ખાત્મો કરીને અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલામાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કર્યું છે. ઝવાહિરીના મોત સાથે આતંકવાદનું એક કલંકિત પ્રકરણ પૂરું થયું છે. 
વાસ્તવમાં તો અમેરિકાએ 2011માં લાદેનનો ખાતમો કરી નાંખ્યો એટલે અલ કાયદા ઢીલું પડી ગયુ. જે બાદ અલ કાયદાની કમાન અયમાન અલ ઝવાહિરીએ સંભાળી, પણ અમેરિકાને ખબર જ હતી કે, લાદેનને સહયોગ આપવામાં ઝવાહિર પહેલાથી જ સક્રિય હતો. તેથી અમેરિકાએ સતત તેના પર નજર રાખી. ઑગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી ઝવાહિરી કાબુલમાં રહેતો હતો. અમેરિકા તેના ઉપર નજર રાખીને બેઠું હતુ. અને રવિવારે તક મળતાં જ ડ્રોનની મદદથી મિસાઈલ છોડીને ઝવાહિરીને પતાવી દીધો. 
અબોટ્ટાબાદમાં અમેરિકી હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ ઝવાહિરીએ અલ કાયદાની કમાન સંભાળી હતી. પરંતુ આતંકવાદ સાથેનો તેનો નાતો જૂનો હતો. ૨૦૧૧માં અલ કાયદાનો ચીફ બન્યો, તેનાં વરસો પહેલાં તે આતંકવાદી પ્રવત્તિમાં જોડાયો હતો. દુનિયામાં અનેક દેશોમાં આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ હતો. મૂળ ઈજિપ્તનો રહેવાસી ઝવાહિરી આંખોનો ડૉક્ટર હતો અને માત્ર ૧૫ વર્ષની ઉંમરે આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો હતો. પ્રથમ વખત ધરપકડ કરાઈ ત્યારે તેની ઉંમર ૧૫ વર્ષની જ હતી. ઝવાહિરિના પિતા કૈરો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ઝવાહિરી પણ કૈરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયો પણ તેના બહું પહેલાં એ આતંકવાદી બની ચૂક્યો હતો. 
ઝવાહિરી બુદ્ધિશાળી હતો. તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ આતંકવાદને ગતિ આપવામાં કર્યો. હજારો યુવાનોને પણ તેણે આતંકવાદી ગતિવિધિઓમાં જોડી દીધા અને હજારો નિર્દોષોના મોત માટે તે જવાબદાર હતો. ઘણા મોટા મોટા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ રહ્યો છે.
કેન્યા અને તંઝાનિયામાં ૧૯૯૮માં અમેરિકાના દૂતાવાસમાં થયેલા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારમાં ઝવાહિરી મુખ્ય હતો. આ હુમલામાં ૨૨૪ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૦૫માં લંડનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પાછળ પણ ઝવાહિરીનું જ ભેજુ હતુ. આ સમયે ૫૬ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પાંચ દાયકામાં ઝવાહિરી ઘણા આતંકવાદી હુમલામાં સામેલ રહ્યો અને દુનિયામાં અરાજકતા ફેલાવતો રહ્યો.  લાદેન સાથેની તેની દોસ્તી વફાદારીની હદે હતી. આ વફાદારીની કિંમત તેણે પોતાના પરિવારની કુરબાની ચઢાવીને આપી છે. કાબુલના હુમલામાં તેની પત્ની, પુત્રી અને પૌત્રના પણ મોત થયા છે. આ પહેલાં તેની દિકરી મરિયમ પણ અમેરિકાએ કરેલા હુમલાને કારણે મોતને ભેટી હતી. મરિયમ ઓસામા બિન લાદેનની પૂત્રવધૂ હતી. લાદેનના દિકરા હમજા સાથે તેના નિકાહ થયા હતા. હમજાનું પણ ૨૦૧૯માં અમેરિકાના કાઉન્ટર ઑપરેશનમાં મોત થયુ હતું. 
અલ ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી) નામે આતંકવાદી સંગઠન બનાવ્યું હતું. ભારતમાં જન્મેલા આતંકી આસિમ ઉમરને ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)નો વડો બનાવ્યો હતો. આ સંગઠનનો ઉદ્દેશ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને મ્યાંમાર તેમજ બાંગ્લાદેશમાં હુમલા કરવાનો હતો. એક્યુએપીએ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે.
અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કાયદા દ્વારા ભારતમાં મુસ્લિમોને પતાવી દેવાશે તેથી મુસ્લિમોએ જિહાદ કરવી જ પડે એવું અલ કાયદાનું કહેવું હતું. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકમાં હિઝાબનો મુદ્દો ચગ્યો ત્યારે ઝવાહિરીએ ફરી વીડિયો મારફતે દેખા દઈને અલ્લાહુ અકબરના નારા લગાવનારી છોકરીનાં વખાણ કર્યાં હતાં. ઝવાહિરિ આ રીતે અવારનવાર ભારત વિરોધી ઝેર ઓકતો રહ્યો હતો. ઝવાહિરીએ ૨૦૧૪માં ભારત સામે જિહાદ છેડવાનું એલાન કરીને ભારતમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. જો કે, ઝવાહિરી કદી એવો હુમલો ભારતમાં કરાવી ના શક્યો. એ પછી ૨૦૧૯માં ઝવાહિરીએ એક વીડિયો જાહેર કરીને કાશ્મીરમાં સક્રિય આતંકીઓને હિંદુઓ પરના હુમલા વધારી દેવા કહ્યું હતું. 
૨૦૨૦માં ફરી ઝવાહિરીના નામે એક વીડિયો જાહેર કરાયો, આ વીડિયોમાં નાઈન ઈલેવનના હુમલાની વર્ષગાંઠ નિમિત્તે અલ કાયદાએ ભારતમાં ફરી હુમલા કરવાની ધમકી આપી હતી.
જો કે, ભારતમાં તેનો કોઈ પ્રભાવ નહોતો. અલ કાયદાએ વારંવાર ભારત સામે જિહાદ છેડવાની વાતો કરી પણ એ વાતો આખી દુનિયામાં ઈસ્લામનું શાસન સ્થાપવાના તેના એજન્ડાના ભાગરૂપે હતી.  કાશ્મીર અને સીએએએ વખતે અલ કાયદાએ ભારતની આંતરિક બાબતને જિહાદ સાથે જોડી હતી. અલ કાયદા ત્યારે પાકિસ્તાનની ભાષા બોલતું હતું તેના પરથી સ્પષ્ટ હતું કે, આઈએસઆઈએ અલ કાયદાને પડખામાં લીધું છે.  ખેર, આઈએસઆઈના પડખામાં ભરાવા છતાં ઝવાહિરી બચી શક્યો નથી. અમેરિકાએ તેનાં પાપોની સજા આપી દીધી છે.