અમેરિકા સાથેની સરહદ ફરીથી ખોલવા મુદ્દે કેનેડાવાસીમાં ઝાઝો ઉત્સાહ નહીં

June 08, 2021

  • અડધાથી વધુ કેનેડીયનો ઈચ્છે છે કે વિશ્વની સૌથી મોટી જમીન સરહદ સપ્ટેમ્બર સુધી બંધ રહે
ઓન્ટેરિયો : કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને તેમની સરકાર કેનેડા-અમેરિકા વચ્ચેની સરહદને ખુલ્લી મુકવાનું આયોજન કરી રહી છે. પરંતુ કેનેડીયનોને સરહદ ફરીથી ખુલ્લી મુકાય એને માટે બિલકુલ ઉતાવળ નથી. ત્રણ ચતુથાંશ કેનેડીયનો પણ ચાહે છે કે જયારે પણ સરહદ ખુલ્લી મુકાય ત્યારે કેનેડા આવનારા તમામ લોકોએ વેકસીનેશનનો પુરાવો આપવો જોઈએ. એન્ગસ રેઈડ ઈન્સ્ટીટયૂટે કરેલા એક સર્વેક્ષણમાં માત્ર રપ ટકા કેનેડીયનો જ સરહદ વહેલી ખુલ્લી મુકાય એવું ઈચ્છે છે. એનો અર્થ એવો થાય કે, મોટાભાગના કેનેડીયનો હજુ કોવિડ -૧૯ના સંક્રમણની બીક રાખી રહ્યા છે. એમને એની ચિંતા છે. માર્ચ ર૦ર૦થી કેનેડાએ પ્રવાસ પ્રતિબંધો લાગુ કર્યા હતા.
જેમાં અમેરિકા સાથેની કેનેડાની સરહદ પણ અનાવશ્યક સેવાઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકા અને વિશ્વના બીજા દેશો માટેના પ્રવાસ પ્રતિબંધો વિશે દર મહિને થતી સમીક્ષા બાદ નિર્ણય લેવાતો રહ્યો છે. 
ગત અઠવાડિયે થયેલી સમીક્ષા બાદ કેનેડાએ પ્રતિબંધોને ર૧મી જુન સુધી લંબાવી દીધા હતા. રપમી મે એ એક બ્રિફીંગમાં વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, કેનેડાની કુલ વસતિના અડધા લોકોને કોવિડ -૧૯ની વેકસીનનો પહેલો ડોઝ અપાઈ ચુકયો છે. તેમણે અગાઉ કહ્યું હતું કે જયાં સુધી ૭પ ટકા લોકોનું વેકસીનેશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરહદ ખુલ્લી નહીં મુકી શકાય. જો કે ઓન્ટેરિયો, કયુબેક અને બ્રિટીશ કોલંબિયા જેવા પ્રાંતોએ રીઓપનીંગનું આયોજન પણ કરી લીધું છે. આમ છતાં સરહદ ખુલ્લી મુકતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોવાથી અમે ઉતાવળ કરી શકીએ નહીં.