સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થયું:ચાંદી 17 હજાર ઘટીને ₹1.69 લાખ પર આવી

November 17, 2026

લગ્ન-વિવાહ માટે સોનું-ચાંદી ખરીદનારાઓ માટે દેવઉઠી અગ્યારસના બે દિવસ પહેલાં સારા સમાચાર છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 553 રૂપિયા ઘટીને 1,34,418 રૂપિયા થયો છે, જે ગઈકાલે 1.35 લાખ રૂપિયા હતો.

બીજી તરફ, એક કિલો ચાંદીનો ભાવ 1,301 રૂપિયા ઘટીને 1.69 લાખ રૂપિયા થયો છે, જે સોમવારે 1.70 લાખ રૂપિયા હતો. સોનું સતત 5 દિવસમાં 6,185 રૂપિયા અને ચાંદી 17,050 રૂપિયા સસ્તી થઈ છે.

10 નવેમ્બરે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.42 લાખ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1.86 લાખ રૂપિયા હતો. સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો ઈન્ટરનેશનલ બજારમાં ડૉલર મજબૂત થવાને કારણે અને મોટા રોકાણકારો ઊંચા ભાવે વેચવાલી કરી રહ્યા હોવાથી થઈ રહ્યો છે.

અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો

ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા: એક શહેરથી બીજા શહેરમાં સોનું લઈ જવામાં ઈંધણ અને સુરક્ષા ખર્ચ ઉમેરાય છે, જેના કારણે અંતર વધે તેમ ભાવ વધે છે.
ખરીદીનું પ્રમાણ: દક્ષિણ ભારતમાં વધુ વપરાશ (લગભગ 40%) હોવાને કારણે જ્વેલર્સ મોટી ખરીદી કરે છે, પરંતુ ડિસ્કાઉન્ટનો લાભ મર્યાદિત રહે છે.
સ્થાનિક જ્વેલરી એસોસિએશન: રાજ્ય અને શહેરના જ્વેલરી એસોસિએશન સ્થાનિક માંગ અને પુરવઠાના આધારે દર નક્કી કરે છે.
જૂનો સ્ટોક અને ખરીદી કિંમત: જ્વેલર્સે જે દરે ખરીદી કરી હોય તે નક્કી કરે છે કે તેઓ ગ્રાહકોને કેટલી કિંમતે વેચશે.
સિલ્વર ઓલ ટાઈમ હાઈથી 2.11 લાખ રૂપિયા ઘટી

આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.80 લાખ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 2.11 લાખ રૂપિયા એટલે કે આશરે 125% સસ્તી થઈ ગઈ છે.

બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 40 હજાર રૂપિયા એટલે કે આશરે 30% સસ્તું થઈ ગયું છે.

સોનું સસ્તું થવાના 3 કારણો

ઊંચા ભાવે વેચાણ: તહેવારો પહેલાં સોનું ઘણું મોંઘું થઈ ગયું હતું, તેથી મોટા રોકાણકારોએ નફો કમાવવા માટે પોતાનું સોનું વેચવાનું શરૂ કર્યું.
મજબૂત ડૉલરની અસર: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડૉલર અને બૉન્ડ મજબૂત થયા, જેના કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નીચે આવી ગયા.
ખરીદદારોની પીછેહઠ કરવી: રેકોર્ડ ઊંચા ભાવ જોઈને સામાન્ય ખરીદદારો હાલમાં દુકાનોમાંથી સોનાની ખરીદી ઘટાડી રહ્યા છે.
ચાંદી સસ્તી થવાના 3 કારણો

કારખાનાઓમાંથી ઓછી માંગ: ચાંદીનો મોટો ઉપયોગ સોલર અને ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીઓમાં થાય છે. વૈશ્વિક મંદીના કારણે ઉદ્યોગોમાં તેની માંગ ઘટી છે.
બજારમાં વેચવાલીનું દબાણ: શેર અને વાયદા બજારની અસ્થિરતા દરમિયાન મોટા ટ્રેડર્સે અચાનક પોતાની ચાંદી વેચી દીધી, જેના કારણે ભાવ ઝડપથી ઘટ્યા.
સોનાને અનુસરીને: સરાફા બજારમાં સોનું અને ચાંદી એકબીજાની પાછળ ચાલે છે. સોનાના ભાવ ઘટતાં જ ચાંદીમાં પણ વેચવાલી શરૂ થઈ ગઈ.
શું આ ઘટાડો લાંબો સમય ચાલશે?

કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તાવાર કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો વિચાર કરીને ખરીદી કરો.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

સર્ટિફાઈડ સોનું જ ખરીદો: હંમેશા બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નું હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. આ નંબર અલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી સોનું કેટલા કેરેટનું છે તે જાણી શકાય છે.
કિંમતની ચકાસણી કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.