ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની તૈયારી : વિધાનસભામાં બિલ રજૂ થતાં રાજકીય ગરમાવો

May 25, 2026

દિસપુર ખાતે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરી દીધું છે. કેબિનેટની લીલી ઝંડી મળ્યા બાદ સામાજિક સુધારા લાવવાના હેતુથી આ બિલ લાવવામાં આવ્યું છે. આ મોટા પગલા સાથે આસામ હવે ઉત્તરાખંડ અને ગુજરાત પછી સમાન નાગરિક કાયદાની દિશામાં આગળ વધનાર ત્રીજું ભાજપ શાસિત રાજ્ય બની ગયું છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા આ બિલની મુખ્ય જોગવાઈઓમાં રાજ્યમાં એકથી વધુ લગ્ન કરવાની પ્રથા પર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લગ્ન માટે પુરુષોની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવશે. સત્તાધારી પક્ષ આ કાયદાને વહેલી તકે સમગ્ર રાજ્યમાં લાગુ કરવા માંગે છે.

આસામ વિધાનસભામાં બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષી દળોના ધારાસભ્યોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આસામ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઝાકિર હુસૈન સિકદરે રાજ્યમાં કાયદાની જરૂરિયાત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ ભાજપનો રાજકીય એજન્ડા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલો મોટો કાયદો લાવતા પહેલા રાજ્યના તમામ પક્ષો, હિતધારકો અને વિવિધ સમુદાયો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરવી જોઈતી હતી, જે કરવામાં આવી નથી અને તેનાથી જનતાને કોઈ ફાયદો થવાનો નથી.

બીજી તરફ ભાજપના ધારાસભ્ય વિસ્વજીત ડિમરીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બિલને ચાલુ સત્રમાં જ પસાર કરીને કાયદા તરીકે લાગુ કરી દેવાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 13 મેના રોજ જ જાહેરાત કરી દીધી હતી કે તેમની સરકાર 25 મેના રોજ ગૃહમાં આ બિલ લાવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર સમાન નાગરિક કાયદો લાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે, જે હવે સાબિત થઈ ગયું છે.