પાકિસ્તાનમાં બસ ખીણમાં ખાબકતા 20 લોકોનાં મોત, 15 લોકો ઈજાગ્રસ્ત

May 04, 2024

પાડોશી દેશ પાકિસ્તાનમાં શુક્રવારે સવારે એક પ્રવાસી બસને ગમખ્વાર અકસ્માત નડયો છે. રાવલપિંડીથી હુંજા જતી બસ કારાકોરમ રોડના પર્વતીયના ઢોળાવથી નીચે ખીણમાં ખાબકતા 20 લોકોનાં મોત થયા હતા. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલા ડાયમેર જિલ્લામાં ભીષણ બસ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પ્રવાસી બસના ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી ખીણમાં જઈ પડી હતી. જેના લીધે બસના પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. 15 ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃતકોમાં ત્રણ મહિલા પણ સામેલ છે. અકસ્માત એટલો ભીષણ હતો કે હજી મોતનો આંક વધે તેવી શક્યતા છે. કારણ કે ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બચાવ કાર્ય યથાવત્ છે.