કુલગામમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : લશ્કરનો ટોપ કમાન્ડર બાસિત અહમદનો ઘેરાવો

May 07, 2024

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી અને સેના વચ્ચે હાલમાં પણ અથડામણ યથાવત છે. સોમવારે સવારે દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી જે હાલમાં પણ યથાવત છે.

હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળી લીધો છે. જે દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ટોચનો લશ્કર કમાંડર બાસિત અહમદ ડારને આ અથડામણમાં ઘેરી લેવાયો છે. મહત્વનું છે કે ગયા વર્ષે જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ લશ્કરના સહયોગી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર બાસિત અહેમદ ડાર પર 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાસિત અનેક હત્યાઓનો માસ્ટરમાઇન્ડ હતો. રેડવાનીના કુલગામનો રહેવાસી બાસિત જે ગયા વર્ષે એપ્રિલ 2022 થી તેના ઘરેથી ગુમ હતો, તે લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) માં જોડાયો હતો.