કેનેડા સરકાર હિંસાનું મહિમામંડન ના કરે..' પરેડ દરમિયાન ભારતવિરોધી નારેબાજી પર કેન્દ્ર ભડકી

May 08, 2024

ઓનટારિયો  : ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. ભારતે કેનેડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે હિંસાનો ઉત્સવ મનાવી રહી છે અને તેનું મહિમામંડન કરવાની ખુલ્લી છૂટ આપી રાખી છે. પરેડ દરમિયાન ભારતવિરોધી નારેબાજી પર કેન્દ્ર સરકાર ભડકી છે.

કેન્દ્ર સરકારે ટ્રૂડો સરકારને આહવાન કર્યું છે કે, તેઓ ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં ન ઘૂસવા દે. કેનેડાના ઓનટારિયો માલટનમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ બાદ મંગળવારે ભારત સરકારે
પોતાનો સખત વિરોધ નોંધાવતા કહ્યું કે 'નગર કીર્તન' પરેડએ ખૂબ જ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. 

આ સાથે જ ટ્રૂડો સરકારને કહ્યું કે, ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં રાજકીય આશ્રય અને સુરક્ષિત આશ્રય આપવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું કે ભારત હજુ પણ કેનેડામાં પોતાના
ડિપ્લોમેટિક પ્રતિનિધિઓની સુરક્ષા અંગે ચિંતિત છે. ભારત કેનેડા પર એ અપેક્ષા રાખે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે તેઓ પોતાની જવાબદારીઓ ડર્યા વિના નિભાવી શકશે.

તેમણે કહ્યું કે, અમે વારંવાર કેનેડાના કટ્ટરપંથી તત્વોના પ્રદર્શનોમાં હિંસાની તસવીરો દેખાડવા અગે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ. તેઓ પોતાની શોભાયાત્રામાં આપણા પૂર્વ વડા પ્રધાનની હત્યાની ઝાંખી સજાવે છે. ગત
વર્ષે પણ એક શોભાયાત્રામાં તેમણે આવું જ કર્યું હતું. હિંસાનો ઉત્સવ અને તેનું મહિમામંડન કરવું કોઈ પણ સભ્ય સમાજનો હિસ્સો ન હોય શકે. 

જયસ્વાલે આગળ કહ્યું કે, ભારતીય રાજદૂતોના પોસ્ટરોને પણ સમગ્ર કેનેડામાં લગાવવામાં આવ્યા છે જેમાં તેમની સામે હિંસાની ધમકીઓ આપવામાં આવી છે. ગત અઠવાડિયે કેનેડા સરકારે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બરાડ (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28)ની ધરપકડ કરી છે.