લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ડેન્ગ્યૂનો હાહાકાર: ચાલુ વર્ષમાં 60 લાખ કેસ આવ્યા

May 06, 2024

લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ડેન્ગ્યૂએ તબાહી સર્જી છે. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ડેન્ગ્યૂના 60 લાખ કેસ સામે આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હજી પિક સીઝન બાકી છે. આવનારા મહિનાઓમાં સ્થિતિ વધુ કથળી શકે છે. બ્રાઝિલમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. બ્રાઝિલમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 42 લાખ કેસ સામે આવી ચૂક્યા છે.

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશની 1.8 ટકા વસતી ડેન્ગ્યૂનો સામનો કરી રહી છે. અત્યારસુધીમાં 2000થી વધુ લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ બ્રાઝિલના 26 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે તે હેતુસર ફિલ્ડ હોસ્પિટલ્સ ઊભી થઇ રહી છે. મચ્છરોથી બચવા માટેની દવાઓ, મોસ્કિટો કોઇલ્સ સહિતની સામગ્રી આઉટ ઓફ સ્ટોક છે.

લેટિન અમેરિકાના દેશ પેરુ અને પ્યુરેટો રિકો ખાતે પણ ડેન્ગ્યૂએ હાહાકાર સર્જતાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પેરુ ખાતે ડેન્ગ્યૂના 1,35,000 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. દેશમાં 117 દર્દીના મોત થયા છે. આર્જેન્ટિનામાં પણ ડેન્ગ્યૂ કેસ વધી રહ્યા છે. મેક્સિકો, ઉરુગ્વે, ચિલી જેવા દેશો પણ ડેન્ગ્યૂનો માર સહી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા પાન-અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ બ્રાઝિલ, પેરાગ્વે, આર્જેન્ટિના, ઉરુગ્વેમાં પ્રવર્તિ રહેલી સ્થિતિથી ચિંતિત છે.