બ્રાઝિલ પર આફત, ભારે વરસાદને પગલે પૂરે વિનાશ સર્જ્યો, 57ના મોત

May 05, 2024

બ્રસીલિયા : બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. જેની સૌથી ખરાબ અસર દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાંમાં જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદ (heavy rains)ને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ખરાબ રીતે ધોવાઈ ગયા છે. પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે.


બ્રાઝિલમાં આ અઠવાડિયાના વરસાદને કારણે 57થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજારો લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિનાશક પૂરને કારણે 281 નગરપાલિકાઓને અસર થઈ છે અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સ્થાનિક સરકારે એવા વિસ્તારોમાં આફતની સ્થિતિ જાહેર કરી છે જ્યાં 67,000થી વધુ લોકો પૂરથી વિસ્થાપિત થયા છે અને 4,500થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે કેટલાક વિસ્તારોમાં પાણી ઘરની છત સુધી પહોંચી ગયા છે. રેસ્ક્યુ ટીમ લોકોને શોધવામાં વ્યસ્ત છે. શનિવારે સવારે, ભારે વરસાદને કારણે ગુઆઇબા તળાવમાં પાણીનું સ્તર પાંચ મીટર વધી ગયું હતું, જે રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રેને જોખમમાં મૂક્યું હતું. તેમ એક સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.