'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો

May 08, 2024

લોકસભા ચૂંટણીની વચ્ચે શિવસેના નેતા અંબાદાસ દાનવે પાસે સેનાના જવાને ઈવીએમ હેક કરી વોટ વધારવા માટે 2.5 કરોડ રૂપિયાની માગણી કરી. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં સેનાના જવાનની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ મારુતિ ઢાકને છે અને તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પાથર્ડીનો રહેવાસી છે. 42 વર્ષીય આરોપીએ કથિતરીતે એક ચિપના માધ્યમથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવા માટે શિવસેના નેતા પાસે પૈસાની માગ કરી હતી. સાથે જ તેણે દાવો કર્યો કે તેનાથી એક વિશેષ ઉમેદવારને વધુ વોટ મેળવવામાં મદદ મળી છે. રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા દાનવેએ આરોપી સામે પોલીસમાં એક લેખિત ફરિયાદ નોંધાવી. મંગળવારે સાંજે લગભગ 4 વાગે આરોપીએ ત્યાં કેન્દ્રીય બસ સ્ટેન્ડ પાસે એક હોટલમાં સેના (યુબીટી) નેતાના નાના ભાઈ રાજેન્દ્ર દાનવે સાથે મુલાકાત કરી. વાતચીત બાદ ડીલ 2.5ના બદલે 1.5 કરોડ રૂપિયામાં નક્કી થઈ. અંબાદાસ દાનવે દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે સિવિલ ડ્રેસમાં એક પોલીસ ટીમ પહેલા જ હોટલ પર મોકલી દેવાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસે આરોપીને તે સમયે પકડી લીધો જ્યારે તે રાજેન્દ્ર દાનવે પાસેથી ટોકન રકમ તરીકે એક લાખ રૂપિયા લઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સેના જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તૈનાત છે. પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું કે આરોપી પર ખૂબ દેવુ છે. તેણે પોતાનું દેવું ઉતારવા માટે આ ષડયંત્ર રચ્યું હતુ. તે મશીન વિશે કંઈ જાણતો નથી. અમે તેની ધરપકડ કરી દીધી છે અને ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનમાં મામલો નોંધ્યો છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે આરોપી સામે કલમ 420 (છેતરપિંડી) અને 511 (ગુનો કરવાનો પ્રયત્ન) હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.