અપહરણ કેસમાં એચ ડી રેવન્નાની ધરપકડ, આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

May 04, 2024

મૈસુર - કર્ણાટક પોલીસની એસઆઈટીએ સેંકડો મહિલાઓના જાતીય શોષણના કેસમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર જેડીએસ નેતા એચ.ડી.રેવન્નાની ધરપકડ કરી છે. હાલ એક પીડિત મહિલાના અપહરણ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 
ગત ગુરુવારે મૈસુરમાં એક મહિલાનું અપહરણ થયું હોવાના આરોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે મહિલા પણ જાતીય શોષણનો શિકાર બની હતી. કેસ નોંધાયા બાદ પોલીસે રેવન્નાના ખાસ સતીશ બબન્નાની ધરપકડ કરી હતી. આ મામલે એસઆઈટીએ રેવન્નાને બે વખત નોટિસ પાઠવી હતી, તેમ છતાં તે હાજર થયો નહતો, ત્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાજુ એચડી નામના એક વ્યક્તિએ બીજી જૂને કેઆર નગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, તેની માતાએ એચ.ડી.રેવન્નાના ઘરે અને ફાર્મહાઉસમાં છ વર્ષ કામ કર્યું હતું, જોકે તેનો પરિવાર ત્રણ વર્ષ પહેલા કામ છોડીને પોતાના ગામમાં હાલ મજૂરી કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેનો એક પરિચિત સતીશ ઘરે આવ્યો હતો અને મહિલાને લઈને જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ પરત લઈને આવી ગયો હતો. ત્યારબાદ 29 એપ્રિલે સતીશ ફરી ઘરે આવ્યો અને માતાને બળજબરીથી ઘરે લઈ ગયો હતો, સતીશ કહેતો હતો કે, પોલીસ શોધી રહી હોવાથી રેવન્નાએ તેને બોલાવી છે. પછી પહેલી મેએ તેનો એક મિત્ર તેની પાસે આવ્યો અને કહ્યું કે, તેની માતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.