'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર્થન પણ ઘટ્યું...' કેનેડામાં ચૂંટણી પૂર્વે સરવેથી ટ્રુડો ટેન્શનમાં

May 17, 2024

ટોરોન્ટો  : કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે છે. જોકે તે પહેલાં જ જાહેર કરાયેલા એક સરવેના પરિણામથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને લિબરલ પાર્ટીનું ટેન્શન વધી ગયું છે. એવા સંકેતો મળી રહ્યાં છે કે ટ્રુડો સરકારથી કેનેડાના હિન્દુઓ તો નાખુશ જ છે પણ શીખ સમુદાયના મોટાભાગના મતદારો પણ એવા છે જેઓ તેમને મત આપવાની તરફેણમાં નથી. 


કેનેડાનાં હિન્દુ અને શીખ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપે તેવા દાવા થઇ રહ્યા છે. દરમિયાન સરવેમાં એ પણ સામે આવ્યું છે કે ટ્રુડોની પાર્ટીએ મુસ્લિમો અને યહૂદીઓનું સમર્થન પણ મોટાપાયે ગુમાવ્યું છે. ગાઝા અને ઇઝરાયલના મુદ્દાઓને સંતુલિત કરવાનો સતત પ્રયાસ કરતી ટ્રુડો સરકારના હાથમાંથી મુસ્લિમ અને યહૂદીઓનું સમર્થન પણ સરકી રહ્યું હોય તેવું લાગે છે. અહેવાલ છે કે 41 ટકા મુસ્લિમો ન્યુ ડેમોક્રેટિક પાર્ટી અથવા એનડીપીને સમર્થન આપી રહ્યા છે. જ્યારે લિબરલ્સના સમર્થનમાં આ આંકડો 31 ટકા છે. અહીં કેનેડામાં રહેતા યહૂદીઓનું પણ 42 ટકા સમર્થન છે. ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ્સને કેનેડામાં રહેતા મુસ્લિમોનું 15 ટકા સમર્થન મળી રહ્યું છે.

એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્ઝર્વેટિવને 53 ટકા હિંદુઓ સમર્થન આપી રહ્યા છે. જ્યારે શીખ સમુદાય મામલે તે એક પોઇન્ટ વધુ છે. તેનાથી વિપરીત ટ્રુડોની પાર્ટી લિબરલ્સને 22 ટકા હિંદુઓ અને 21 ટકા શીખોનું જ સમર્થન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંઝર્વેટિવ્સ તરફ આ સમુદાયોનું આકર્ષણ વધતું જઇ રહ્યું છે જે ખૂબ જ  મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેનું એક કારણ એ પણ છે કે આ સમુદાયના લોકો ગ્રેટર ટોરોન્ટો એરિયા, મેટ્રો વાનકુવર અને કેલગરીમાં એક મોટી વોટબેન્ક મનાય છે અને આગામી ચૂંટણીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.