પેરિસમાં હાહાકાર, ઓપનિંગ સેરેમની પહેલા આગચંપી-તોડફોડ, રેલ નેટવર્ક ઠપ

July 26, 2024

પેરિસ ƒ આજથી રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. ફ્રાન્સની રાજધાનીમાં અનેક દેશોના ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લેવા એકત્ર થયા છે અને સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની ઓપનિંગ સેરેમનીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

ફ્રાન્સની નેશનલ રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું કે, હાઈ-સ્પીડ લાઈનો પર ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. ક્યાંક આગ લગાડવામાં આવી છે તો ક્યાંક પાટા ઉખડેલા નજરે પડી રહ્યાં છે. આ કારણે ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે. ફ્રાન્સમાં આ રમત પૂર્વે હુમાલો વધતા ઓલિમ્પિક 2024ની મેજબાની ફ્રાન્સ માટે વધુ જોખમી બની રહી છે.


SNCFએ જાહેરાત કરી છે કે ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ લાઇનને ભારે અસર થઈ છે. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ બનેલી ઘટનાઓની ફ્રેન્ચ અધિકારીઓએ નિંદા કરી હતી. જોકે આ ઘટનાઓ ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલી હોવાના કોઈ તાત્કાલિક સંકેત મળ્યા નથી.
SNCF ગ્રુપના પ્રમુખે કહ્યું કે 8 લાખ ટ્રેન મુસાફરોને સીધી અસર થઈ છે. ઓલિમ્પિક ગેમ્સ માટે નેટવર્ક તૈયાર હતું પરંતુ હવે તેઓ રેલવે નેટવર્કને શક્ય તેટલી વહેલી તકે રિપેર કરવા માટે હજારો કર્મચારીઓને કામે લગાડી રહ્યાં છીએ. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, યુરોસ્ટાર (રેલવે કંપની)એ જણાવ્યું કે ,તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે, પરિણામે ઘણી ટ્રેનો રદ થઈ છે. પેરિસ આવતી અને જતી તમામ હાઇ સ્પીડ ટ્રેનોને આજે (શુક્રવાર, જુલાઈ 26) ક્લાસિક લાઇન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરીના સમયમાં લગભગ દોઢ કલાકનો વધારો થયો છે.