PMOના અધિકારી તરીકે વાત કરી લોકોને ઠગતી મેવાતી ગેંગના છ ઝડપાયા

July 27, 2024

PMOના અધિકારી બોલતા હોવાની વાત કરી ભાજપના રાજકીય અગ્રણી અને કાર્યકરોને ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા બીજેપી કાર્યકર તરીકેના કામથી ખુશ હોવાથી તમને ચાર કરોડનું ફાર્મ હાઉસ મળશે તેવી લાલચ આપી હરિયાણાની મેવાત ગેંગ ઠગાઈનો પ્રયાસ કરતી હોવાની વિગતો પોલીસને મળી હતી.

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેના પ્રોજેક્ટમાં બની રહેલું ફાર્મ હાઉસ તમારે ફ્રીમાં લેવું હોય તો બાર લાખ ભરીને રજીસ્ટ્રેશન કરાવો તેમ કહેતાં આરોપીઓનો ભાંડો ઠગાઈ થાય તે પહેલા ફૂટયો હતો. બનાવની જાણ થતા ક્રાઈમબ્રાંચે નવી મોડસઓપરેન્ડીથી ઠગાઈ કરતી મેવાત ગેંગના છ સાગરિતોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમબ્રાંચની તપાસમાં આરોપી વોટસએપ કોલ અને મેસેજ કરી ભાજપ સાથે સંકળાયેલા લોકોને લાલચ આપી ઠગવાની યોજનામાં હતા. આ મેસેજ અને કોલ હરિયાણાના પલવલ જિલ્લામાંથી આવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ક્રાઈમબ્રાંચે આ સ્થળે ટીમો મોકલીને ભરતસિંહ બુધ્ધસિંહ જાટવ, ઈર્શાદ નિયાઝ મેવ, ઈર્શાદ રૂકમુદ્દીન મેવ, સાબીર જાફર ઈબ્રાહીમ મેવ, રાકીબ તાહીર મેવ અને મો.જહાન જફરૂદ્દીન મેવની ધરપકડ કરી હતી.

આરોપી ભરતસિંહે સિમકાર્ડ ઈર્શાદખાન મારફતે સગીર કિશોરને આપ્યા હતા. સગીરે આ કાર્ડ કમિશન લઈને વેચાણ કરતા રાકીબ પાસેથી તેના કાકા મો.જહાન પાસે પહોંચ્યા હતા. મો.જહાને આ કાર્ડના ઉપયોગથી પીએમઓ ઓફિસના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ખુલી છે.