દિલ્હીમાં રાજકારણ ગરમાયું, ફરી એક વખત નીતિશ કુમારે એવું કર્યુ કે શરુ થઈ પક્ષપલટાની અટકળો

July 27, 2024

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નીતિ આયોગની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ગેરહાજર રહીને ફરી ચર્ચા જગાવી છે. તેમની જગ્યાએ બિહાર વતી ભાજપના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા આવ્યા હતા. જેના લઈને ફરી એકવાર ગુલાંટ મારવાની અટકળો ઉપર ચર્ચા શરુ થઈ છે.ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર એનડીએના મહત્ત્વપૂર્ણ ટેકેદારોમાંથી એક છે. એનડીએ ગઠબંધન માટે નીતિ આયોગની આ બેઠક મહત્ત્વપૂર્ણ હતી. કેમ કે સાત જેટલા વિપક્ષના મુખ્યમંત્રીઓએ આ બેઠકમાં હાજરી આપી નહોતી. હજુ સુધી કારણ સામે આવ્યું નથી કે નીતિશ કુમાર આ બેઠકમાં કેમ ન આવ્યાં. આ પહેલીવાર નથી બન્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થયા હોય. અગાઉ ઘણીવાર આવું બન્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અગાઉ પણ આ પ્રકારની કોઈ બેઠકમાં જોડાયા નથી અને બિહારનું પ્રતિનિધિત્વ તત્કાલીન ઉપમુખ્યમંત્રીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું કે આ વખતે પણ બંને ઉપ મુખ્યમંત્રી સામેલ થયા હતા. આ ઉપરાંત બિહારના ચાર કેન્દ્રીય મંત્રી પણ આયોગના સભ્ય છે અને તે બેઠકમાં હાજર હતા. જોકે નીતિશ કુમાર કેમ ન આવ્યા તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી. પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ના દેવાઈ. મારું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું, હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય અપાયો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતાં જ અટકાવી દેવામાં આવી અને હું માંડ 5 મિનિટ બોલી શકી.