ભારતમાં ગુજરાતના 4 જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો, સરેરાશ 28 ટકાથી વધુ ખાબક્યો

July 27, 2024

પોરબંદર ƒ ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવનને ભારે અસર પહોંચી છે. ત્યારે હવામાન વિભાગે જુલાઈમાં પડેલા વરસાદી આંકડા જાહેર કર્યા છે. જેમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પડ્યો હોવાની વાત સામે આવી છે. દ્વારકામાં સરેરાશ વરસાદ કરતાં 1422 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં સામાન્ય રીતે રેકોર્ડબ્રેક વરસાદ પડતો નથી, પરંતુ દરયા કિનારાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદે સમગ્ર દેશમાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારતના 788 જિલ્લાઓમાંથી 700 ટકાથી વધુમાં વધુ વરસાદ વાળા ત્રણ જિલ્લા ગુજરાતના છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સામેલ છે. 17થી 24 જુલાઈની વચ્ચે 1422 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ પોરબંદરમાં 1101 ટકા અને જૂનાગઢમાં 712 ટકા વરસાદ નોંધાયો છે. આખા ભારતમાં 6 જિલ્લાઓમાં સાપ્તાહિત સામાન્ય વરસાદથી 500 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાંથી ચાર ગુજરાત અને બે આંધ્રપ્રદેશમાંથી છે. 

છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. એને કારણે રાજ્યભરમાં એક જૂનથી લઈને 25 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ એના કરતાં 28% વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 53.25 ટકા પડ્યો છે. રાજ્યમાં 31 તાલુકામાં 40 ઇંચથી વરસાદ થયો છે. 43 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કચ્છમાં અત્યારસુધી 75% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 73 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 63.07 ટકા વરસાદ થયો છે. નોર્થ ગુજરાત અને ઇસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં વરસાદ ઓછો છે. આ બંને ઝોનમાં 30 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં 2019થી લઇ 2023 દરમિયાન કુલ 1115 વખત અતિભારે એટલે કે 4.5થી 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ઇન્ડિયન મેટિરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ ભારે વરસાદની ત્રણ કેટેગરી છે. ભારે વરસાદ(2.5-4.5 ઇંચ), અતિભારે(4.5-8 ઇંચ) અને અત્યંત ભારે(8 કે વધુ ઇંચ). 10 વર્ષમાં ગુજરાતમાં 2019માં સૌથી વધુ 75 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો હતો. 2023માં ગુજરાતમાં 49 વખત અત્યંત ભારે વરસાદ અને 264 વખત કોઇને કોઇ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. 2014થી 2023 દરમિયાન ઓડિશામાં સૌથી વધુ 608 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો છે.

દેવભૂમિ દ્વારકામાં પડેલા વિનાશક વરસાદમાં NDRF અને  SDRFની ટીમ દેવદૂત બનીને લોકોના જીવ બચાવી રહી છે. 14,552 લોકોનું સ્થળાંતર અને 1617 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 67 ટકા વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની ટકાવારીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ચાર જિલ્લામાં આખા ભારતની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિસ્તારો છે. આ સ્થિતિમાં સુરત જિલ્લામાંથી 3707, નવસારીમાં 2978,  વડોદરા 1877, પોરબંદરમાં 1540, જૂનાગઢમાં 1364, ભરૂચમાં 1017, તાપીમાં 918, આણંદ 604, દેવભૂમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલ 56, જ્યારે નર્મદામાં 17 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.