'હું બોલતી હતી અને માઇક બંધ કરાયું', નીતિ આયોગની બેઠકમાં હોબાળો, મમતા બેનરજી અધવચ્ચે બહાર આવ્યાં

July 27, 2024

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું. મારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય અપાયો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતા જ અટકાવી દેવામાં આવી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની આ 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. મીટિંગમાં 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. બેઠક માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આસામના મુખ્યમંત્રી હિમંતા શર્મા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પહોંચ્યા હતા. જોકે નીતિ આયોગની આ બેઠકનો I.N.D.I.A. ગઠબંધનના શાસન હેઠળના 7 રાજ્યના મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કરી દીધો હતો. આ રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને ઝારખંડ સામેલ છે. આ રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં પહોંચ્યા જ નહોતા. જ્યારે એનડીએના મુખ્ય સહયોગી જેડીયુના નીતિશ કુમાર પણ આ બેઠકમાં આવ્યા નહોતા. તેમની જગ્યાએ ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાએ હાજરી આપી હતી.