નેમપ્લેટ બાદ નવો વિવાદ, કાંવડિયાઓને ન દેખાય એટલે મસ્જિદ-દરગાહને પડદાં વડે ઢાંકવાનો પ્રયાસ

July 27, 2024

હરિદ્વાર :  કાવડિયાઓ માટે ભોજનની દુકાનો પર નેમપ્લેટ લગાવવાની બબાલ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. હરિદ્વારમાં કાવડ યાત્રા માર્ગ પર દરગાહ-મસ્જિદને ઢાંકવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરગાહ-મસ્જિદોને ઢાંકવા માટે આ તમામની ઉપર સફેદ રંગના પડદાં લગાવી દેવાયા હતાં જેથી લોકોની નજર તેની પર ના પડે. જોકે ઘણા લોકોએ વાંધો વ્યક્ત કર્યાં બાદ હવે આ પડદાંને હટાવી દેવામાં આવ્યા છે. પડદાંને જ્વાલાપુર વિસ્તારમાં સ્થિત મસ્જિદો અને દરગાહની સામે વાંસ પર લટકાવી દેવાયા હતાં. જ્વાલાપુર પોલીસનું કહેવું છે કે પોલીસે કોઈ પડદાં લગાવ્યાં નથી કે હટાવ્યાં પણ નથી.

હરિદ્વારની અંદર થઈને પગપાળા કાવડિયાંઓ રવાના થઈ રહ્યાં છે. સિંહદ્વારથી રામનગર, આર્યનગર, ઊંચા પુલથી થતાં કાંવડિયાંઓની જનમેદની નક્કી સ્થાન માટે રવાના થઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે રામનગર નજીક વિસ્તારમાં એક ધર્મસ્થળને ઢાંકી દેવાયુ હતું. શુક્રવારે ધર્મસ્થળને ઢાંકવાને લઈને વિવાદની સ્થિતિ પેદા થવા લાગી જે બાદ ધર્મસ્થળની બહાર લાગેલા પડદાંને બપોરે હટાવી દેવાયા. કહેવાઈ રહ્યું છે કે કોઈ પ્રકારનો કોઈ વિવાદ પેદા ન થઈ શકે, તેથી આ પડદાં લગાવવામાં આવ્યા હતાં.