ચીનની નવી ચાલ, અચાનક ડ્રેગને ઓઈલ, અનાજ-ધાતુનો સંગ્રહ શરૂ કર્યો, શું કોઈ મોટા યુદ્ધના એંધાણ!

July 27, 2024

ચીને ઝડપથી મહત્વપૂર્ણ સામગ્રીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે, જેના પર હવે વિશ્વનું ધ્યાન ગયું છે. મોટા પ્રમાણમાં આ સામગ્રીનો સંગ્રહ એ કોઈ મોટા યુદ્ધનો સંકેત તો નથી ને! એક અહેવાલ પ્રમાણે સામગ્રીમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ સહિત ઈંધણના ભંડાર, તાંબુ, આયર્ન ઓર અને કોબાલ્ટ જેવી કિંમતી ધાતુઓ અને ખાસ કરીને સોના જેવી કિંમતી ધાતુઓ સામેલ છે. એક અહેવાલ પ્રમાણે ચીન આ તમામ વસ્તુઓનો સંગ્રહ એવા સમયે કરી રહ્યું છે જ્યારે વસ્તુઓ મોંઘી છે અને ચીનની આર્થિક સમસ્યાઓને જોતાં,'તે વધતા વપરાશને પણ પ્રતિબિંબિત નથી કરતું. તેથી હવે એ સવાલ ઊભો થાય છે કે, ચીન મોટા પાયે આ વસ્તુઓનો સંગ્રહ કેમ કરી રહ્યું છે? શું આ એક 'રક્ષાત્મક ઉપાય' છે કે પછી ભવિષ્યમાં બેઈજિંગ કોઈ આક્રમક કાર્યવાહી કરી શકે છે? 
મીડિયા અહેવાલ પ્રમાણે ચીને સરકારી ઓઈલ કંપનીઓને પોતાના ભંડારમાં લગભગ 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ઉમેરવાનું અને સરકારી માલિકીની કૃષિ ભંડાર કંપની સિનોગ્રેનને પોતાના અનાજની આયાત વધારવા માટે કહેવું વગેરે સામેલ છે. કેટલો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ચીની સરકાર પોતાના ઈમરજન્સી સંગ્રહ વિશેની માહિતી પર ચુસ્તપણે દેખરેખ રાખે છે. જેના કારણે તેના સંગ્રહના સ્તરનો અંદાજ લગાવવો અથવા ટ્રેક કરવું મુશ્કેલ બની જાય છે.  જ્યારે પણ કોઈ દેશ આવશ્યક સામગ્રીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે તો તેનું સૌથી ખતરનાક કારણ યુદ્ધની સંભાવના છે. સંઘર્ષનો અર્થ એ છે કે સામગ્રીની આયાત અને તેની પહોંચ પ્રતિબંધિત થઈ જાય છે. ચીનમાં વર્તમાન સંગ્રહના ઉપાયોએ કેટલાક વિશ્લેષકોને એ અનુમાન લગાવવા માટે પ્રેરિત કર્યા છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઈવાન પર આક્રમણ કરવાની યોજના બનાવી રહ્યા છે. નોંધનીય છે કે ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે અને તેનું કહેવું છે કે, તેને હાંસલ કરવા માટે અમે તાકાતનો ઉપયોગ કરવાથી પાછળ નહીં હટીશું. મીડિયા અહેવાલ પ્રમાણે અમેરિકન અધિકારીઓ વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે, ચીની રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે, તેમની સેના 2027 સુધી તાઈવાન પર હુમલો કરવા માટે તૈયાર રહે. જો કે, આ જોખમની વાસ્તવિકતા પર મતભેદ છે. પરંતુ ચીન હજું પણ એ લિમિટ કરતા વધુ સંસાધનોનો સંગ્રહ કરી રહ્યું છે જેને શાંતિકાળ દરમિયાન સામાન્ય માનવામાં આવે છે.  એક થિયોરી એમ પણ કહે છે કે, ચીન આગામી આર્થિક મંદી માટે તૈયારી કરી રહ્યું છે. અને તેના માટે તે વિશેષ રૂપે પશ્ચિમી સપ્લાઈથી ખુદને દૂર કરવા માગે છે. વોલ સ્ટ્રીટ જર્નલનું કહેવું છે કે, આ કઠોર નિકાસ પ્રતિબંધોનો સામનો કરવા માટે છે, ખાસ કરીને જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પર ફરીથી કબજો કરી લે તો. આ ઉપરાંત અન્ય પણ વૈકલ્પિક વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે. જેમ કે ચીન સ્પર્ધકો પર લાભ ઉઠાવવા અથવા બજાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. એવી પણ સંભાવના છે કે તે પ્રોપેગેન્ડા સાથે યુદ્ધના આંતરરાષ્ટ્રીય ભયને ભડકાવી રહ્યું છે.