ભાજપ અનેક રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં

July 27, 2024

જુનાગઢ ƒ ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા સદસ્યતા અભિયાન સાથે શરૂ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા શરૂ  થશે નહીં. આ રાજ્યોમાં પાર્ટીનું પૂરું ફોકસ આગામી વિધાનસભા ચૂંટણી પર રહેશે. બાકી રાજ્યોમાં પાર્ટી નવા સભ્ય અભિયાન સાથે સંગઠનની ફેર રચના કરશે. તેમાં મંડળ, જિલ્લા અને પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી સામેલ છે. ત્યાબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ થવાની છે. જો કે આ પહેલા પાર્ટી અનેક રાજ્યોના નેતૃત્વમાં ફેરફાર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશ પણ સામેલ છે. 
લોકસભા ચૂંટણીના નિરાશાજનક પરિણામો બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પોતે નૈતિકતાના આધારે રાજીનામાની રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યના મોટા નેતાઓ વચ્ચે પણ સતત નિવેદનબાજી  થઈ રહી છે. ભાજપ નેતૃત્વએ ગુરુવારે રાતે બિહાર અને રાજસ્થાનમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ કરી હતી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે કેટલાક વધુ રાજ્યોમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ શકે છે. ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં પાર્ટીને ભવિષ્યમાં સંગઠનની દ્રષ્ટિથી પોતાની તૈયારી સારી કરવાની છે. જો કે આ નિયુક્તિઓથી પાર્ટીની સંગઠન ચૂંટણી પર કોઈ પ્રભાવ પડશે નહીં. સંગઠન ચૂંટણીમાં આ રાજ્યોમાં નવા અધ્યક્ષ ફરીથી આવી શકે છે. જેમાંથી કેટલાક રાજ્યોમાં જ્યાં હાલ નવા અધ્યક્ષ બન્યા છે તેમને યથાવત રાખવામાં આવી શકે છે.