વડોદરામાં મગરોએ રાત માથે લીધી, એક જ રાતમાં 9 મગરોના રેસ્ક્યુ

August 31, 2024

વડોદરા : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોએ તંત્ર તેમજ લોકો માટે જોખમ વધારી દીધું છે. ગઈ કાલે રાતે કલાકના ગાળામાં જુદા-જુદા વિસ્તારમાંથી 9 મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

પૂરના પાણી ઉતરી ગયા પછી પણ અનેક સ્થળોએ મગરો તેમજ અન્ય જળચરો પાણીમાં પરત ફર્યા નથી. પરિણામે મગરો રહેણાંક વિસ્તારમાં મકાનો સુધી આવી જવાના બનાવો બની રહ્યા છે. જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ જીવદયા કાર્યકરોની મદદથી ત્રણ દિવસથી મગર અને જળચરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સુધી 23 જેટલા મગર અને 80થી વધુ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.  

દરમિયાનમાં ગઈ મોડી રાતે જુદા-જુદા વિસ્તારમાં મગરો આવી જવાના બનાવ બનતાં 9 મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી જાંબુવાના શુભ બંગ્લોના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર આવી જતાં ભારે જહેમત બાદ ફોરેસ્ટ ટીમે તેનું રેસ્ક્યુ કર્યું હતું. 

આ ઉપરાંત ખિસકોલી સર્કલ, ખાસવાડી, નવલખી કુત્રિમ તળાવ, મુજમહુડા, ગુજરાત ટ્રેક્ટર નજીક, જાંબુઆ સહિતના વિસ્તારમાંથી બીજા આઠ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં એક મોટો કાચબો આવી જતાં તેને પણ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો હતો.