'ભાજપ હાય... હાય... ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો', વડોદરામાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ

August 31, 2024

વડોદરા : વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. આજે વડોદરાના કલેક્ટરની કચેરીએ જ પહોંચીને 'ભાજપ હાય...હાય...', 'શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો...શરમ કરો...'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના દેખાવના આયોજનને પગલે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે કોંગ્રેસના કાર્યકરોએ જરાય કૂણું વલણ ન દાખવતાં આક્રમક રીતે નારેબાજી ચાલુ રાખતાં મામલો બીચક્યો હતો અને પોલીસ સાથે જ ઝપાઝપી થવા લાગી હતી. 

કોંગ્રેસે આક્રમક દેખાવો કરીને કલેક્ટર કચેરી માથે લીધી હતી.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતુ. પોલીસે એવી શરત મૂકી હતી કે, પાંચ જ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા જશે. પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરો કલેક્ટર કચેરીની ઓફિસમાં ઘૂસી ગયા હતા. આ તબક્કે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની પોલીસ સાથે ધક્કા મૂક્કી પણ થઈ હતી.

કોંગ્રેસે આવેદનપત્ર આપીને પૂર પીડિતોને વળતર આપાવ માટે માગ કરી હતી.વિરોધ વધારે ઉગ્ર બની રહેલો જોઈને જોઈન્ટ પોલીસ કમિશનરને પણ કલેક્ટર કચેરી ખાતે દોડવુ પડયું હતું.

કોંગ્રેસના શહેર પ્રમુખે રજૂઆત કરતા કહ્યું હતું કે, 'દર વખતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શહેરની મુલાકાતે આવે છે. ત્યારે પોલીસ કાંતો અમને પકડી જાય છે અથવા તો નજર કેદ કરી લે છે. વડોદરાની પ્રજાને કેશડોલના નામે 1000-2000 રુપિયા આપીને મશ્કરી કરવામાં આવી રહી છે. લોકોનો એક વર્ષનો ઘર વેરો, લાઈટ બિલ માફ કરવામાં આવે. વિશ્વામિત્રીના કિનારા પર દબાણો કરીને બનાવાયેલા મોલ તેમજ હોટલો અને ભાજપના નેતાઓના બંગલા તોડવામાં આવે. સરકારના મંત્રીઓ માત્ર ફોટો શેસન કરવા માટે વડોદરા આવ્યા છે.'