શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે

August 30, 2024

પાલઘર : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રની શિંદે સરકાર અને એનડીએ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજ્યના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી જવાના કારણે શિંદે સરકારે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, તો હવે શિંદે સરકારના આરોગ્ય મંત્રીએ પોતાની જ સરકારના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.


રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારના આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે ચૂંટણી ટાણે અજિત પવાર અંગે જેમ-તેમ બોલીને નવો વિવાદનો મધપુડો છેડ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન સાવંતે પોતાની જ સરકારનું આરોગ્ય બગડ્યું હોવાનું નિવેદન આપી કહ્યું કે, હું ભલે NCP વડા અજિત પવાર સાથે કેબિનેટમાં બેસું છું, પરંતુ હું જેવો જ બહાર આવું છું, તો મને ઊલટી આવવા લાગે છે, તેને રોકી પણ શકાતું નથી. એવું નથી કે, આપણે તેને બદલી શકતા નથી, પરંતુ આપણે આપણા સિદ્ધાંતો અંગે પ્રતિબદ્ધ છીએ.’ તાનાજી સાવંતે એવું પણ કહ્યું કે, એવું લાગે છે કે, એલર્જી ધરાવતી વ્યક્તિને ગોળીઓ લીધા બાદ ઊલટી થાય છે. મારી સાથે પણ એવી જ સ્થિતિ છે. પણ અફસોસની વાત છે કે હું કંઈ કરી શકતો નથી. હું કટ્ટર શિવસૈનિક છું. મારા જીવનમાં ક્યારે કોંગ્રેસ અને એનસીપી પ્રત્યે લાગણી ઉદભવી નથી. જ્યારે હું વિદ્યાર્થી હતો, ત્યારથી માર એકબીજા સાથે બનતું નથી. આ જ સત્ય છે. જો આજે હું તેમની સાથે કેબિનેટમાં બેસું છું તો બહાર આવ્યા બાદ મને ઊલટી થઈ જાય છે. હું તે સહન કરી શકતો નથી, પરંતુ મારે જનતા માટે મજબૂરીમાં સહન કરવું પડે છે.