ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડફોડ-આગચંપી

August 30, 2024

ગાઝિયાબાદ - ગાઝિયાબાદમાં લિંક રોડમાં બુધવારે સાંજે સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે મારામારી કરીને દુષ્કર્મ આચર્યુ. વિરોધ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી. ઘટનાની ફરિયાદ પર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ અને અમુક લોકોએ કાર્યવાહીમાં ઢીલ રાખવાનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યુ. તે બાદ રસ્તા પર ટ્રાફિક જામ કરીને વાહનોમાં તોડફોડ કરીને આગચંપી કરી દીધી. 
ઘટનાથી નારાજ લોકોએ સૂર્યનગર પોલીસ ચોકીની બહાર જોરદાર હોબાળો કરી દીધો. એડિશનલ સીપી દિનેશ કુમાર, ડીસીપી ટ્રાન્સ હિંડન નિમિષ પાટીલ સહિત તમામ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. જોકે, લોકો મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમના હવાલે કરવાની માગ કરતાં રહ્યાં. રાત્રે આઠ વાગે લોકો શાંત થયા અને રસ્તા પરથી હટ્યા. તે બાદ મોડી રાત સુધી પ્રદર્શન કરનાર લોકો અને અધિકારીઓમાં ચર્ચા ચાલી. 

પોલીસના જણાવ્યા અનુસાર લિંકરોડ પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં પીડિતા પરિવાર સાથે રહે છે. ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સગીરાના ભાઈએ જણાવ્યુ કે 'બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગે ઘરની નજીક ભંગારની દુકાન ચલાવનાર અન્ય સમુદાયનો આરોપી ફૈઝાન ત્રણ મિત્રો સાથે અમારા ઘરમાં ઘૂસ્યો. તે લોકોએ મારી બહેનની સાથે છેડતી શરૂ કરી. જ્યારે મે વિરોધ કર્યો તો આરોપીઓએ મારી બહેનની સાથે મારામારી કરીને દુષ્કર્મ ગુજાર્યું.' ઘટનાના સમયે આઠ વર્ષનો નાનો ભાઈ ઘરની આસપાસ હતો જ્યારે અન્ય લોકો બહાર હતાં. પીડિતાએ બૂમો પાડી એટલે આરોપીના ત્રણેય મિત્રો ભાગી ગયા, જેમને જોઈને આસપાસ રહેતાં લોકો ભેગા થઈ ગયા, જ્યાં સુધી પરિવારના સભ્યો ઘરે પહોંચે તે પહેલા ફૈઝાન પણ ફરાર થઈ ગયો.
બેભાન અવસ્થામાં મળેલી પીડિતાના ભાઈએ જણાવ્યું કે જ્યારે અમે ઘરે પહોંચ્યા તો બહેન બેભાન અવસ્થામાં મળી. તેની હાલત ગંભીર હતી. ભાઈએ પિતાને જણાવ્યુ અને લિંક રોડ પરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એસીપી સાહિબાબાદ રજનીશ ઉપાધ્યાયે જણાવ્યુ કે કેસ નોંધીને ફૈઝાનની ધરપકડ કરી લેવાઈ હતી. અન્ય ત્રણ આરોપીઓની ઓળખના પ્રયત્ન ચાલુ છે.


ઘટનાની જાણકારી મળતાં જ હિંદુ પરિવાર ગૌરક્ષકના કાર્યકર્તા સહિત અમુક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો કર્યો. ચારમાંથી એક આરોપીની ધરપકડને લઈને હોબાળો કર્યો. સાથે જ અન્ય આરોપીઓની ધરપકડની માગ કરી. અધિકારીઓએ સમજાવીને શાંત કર્યા. તે બાદ અમુક લોકો પીડિતાની ઘરની નજીક આરોપીની દુકાન પર પહોંચ્યા અને તોડફોડ કરી દીધી. ભીડે ડઝન વાહનોમાં તોડફોડ કરી ઈ-રિક્ષામાં આગ લગાડી દીધી. પોલીસ કર્મચારી પહોંચ્યા તો જિલ્લાધિકારીને ઘટના સ્થળે બોલાવવાની માગ પર અડગ રહ્યાં. પ્રદર્શન કરનાર લોકો સૂર્યનગર ચોકી પહોંચ્યા અને ટ્રાફિક જામ કરી દીધો. લોકોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કરતાં હોબાળો કર્યો.