મચ્છુએ વેર્યો વિનાશ: ઘર-દુકાનો પાણીમાં, લોકો ખાધા-પીધા વગર રહ્યા

August 30, 2024

માળિયા-મિયાણા : છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય સહિત કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાના માળિયા-મિયાણા શહેરી વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી બાદ હવે મચ્છુએ જાણે વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ઘર-દુકાનોમાં પાણી ફરી વળ્યાં હોવાથી અનેક લોકો પ્રભાવિત થયા છે. માળિયા-મિયાણા નગરપાલિકા કચેરીમાં પાંચથી સાત ફૂટ વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. 


ગત 26 ઑગસ્ટે મોરબીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાથી મચ્છુ 1-2-3 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે બીજા દિવસે 27 ઑગસ્ટે મચ્છુ નદીનું પાણી માળિયા શહેર વિસ્તારોમાં ભરી વળ્યું હતું. આ દરમિયાન 24 કલાક કરતાં વધુ સમય સુધી લોકોનાં ઘર, દુકાન અને સરકારી ઓફિસોમાં અંદાજીત પાંચ ફૂટ કરતા પણ વધુ પાણી ભરાયા હતા. જો કે, માળિયા-મિયાણામાં હાલમાં પૂરનાં પાણી મોટાભાગે ઓસરી ગયું છે, પરંતુ હજુ પણ અમુક ઘરમાં મચ્છુના પાણી ભરાયેલા હોવાનું જાણવા મળ્યું છે. માળિયા-મિયાણા પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, 'શહેરમાં પૂરની સ્થિતિ બાદ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માળિયા શહેરી વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.'


મચ્છુના પાણી માળિયા-મિયાણામાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકાસન થયું હતું. જેમાં તાલુકા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં હજુ એક ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સરવડ ગામની આસપાસમાં 5 હજાર એકર જમીનમાં ખેડૂતો દ્વારા વાવેલા કપાસ, મગફળી સહિતના પાકને અસર થઈ છે. સરવડ ગામના આગેવાન જણાવ્યું હતું કે, 'છેલ્લા છ દિવસથી ખાબકતા વરસાદને કારણે 40થી 50 ટકા તૈયાર થયેલા પાક પર આશરે એક ફૂટ જેટલું પાણી ભરી વળતાં પાકને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, ગામની આસપાસમાં સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.'