ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર હુમલો, 15ના મોત, 7 અમેરિકન સૈનિક ઘાયલ

August 31, 2024

ઈરાકના પશ્ચિમ વિસ્તારમાં અમેરિકન દળોએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 7 અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે. ઇરાકી અને યુએસ દળો દ્વારા ઇસ્લામિક સ્ટેટ જૂથના શંકાસ્પદ આતંકવાદીઓને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકન સેનાએ શનિવારે આ માહિતી આપી હતી. અમેરિકી સેનાએ 'ધ એસોસિએટેડ પ્રેસ' (એપી)ને જણાવ્યું કે આ હુમલામાં સાત અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે.

સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, "આ ઓપરેશનનો ધ્યેય ટોચના ISIS (ઇસ્લામિક સ્ટેટ)ના આતંકવાદીઓની ઇરાકી નાગરિકો, યુએસ નાગરિકો, સાથીઓ અને સમગ્ર પ્રદેશમાં અને તેનાથી આગળના ભાગીદારો સામે હુમલાની યોજના બનાવવાની અને તેને ચલાવવાની ક્ષમતાને વિક્ષેપિત કરવાનો છે." ઈરાકી સેનાએ એક નિવેદનમાં કહ્યું, ''હવાઈ હુમલામાં આતંકવાદીઓની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી.'' દરમિયાન, યુએસ આર્મીના એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે આ ઓપરેશનમાં સાત અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ સૈન્ય કર્મચારીઓની હાલત સ્થિર છે. 

ઈરાક અને સીરિયામાં આતંકવાદીઓને તેમની સ્વ-ઘોષિત ખિલાફતમાંથી બહાર કર્યા પછી, ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે યુએસ આર્મીની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. જો કે શુક્રવારના હુમલામાં મૃતકોની સંખ્યા અન્ય હુમલા કરતા વધારે છે. યુએસ સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આતંકવાદીઓ બહુવિધ હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટક આત્મઘાતી બેલ્ટ થી સજ્જ હતા. ઈરાકી દળોએ જણાવ્યું હતું કે આ હુમલો દેશના અનબર રણમાં કરવામાં આવ્યો હતો.