પીએમ મોદી અને બાઈડેને બાંગ્લાદેશી હિંદુઓને લઈને કરી વાત

August 27, 2024

સમગ્ર વિશ્વ હાલમાં ભારે ઉથલ-પાથલના વાતાવરણમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને તખ્તાપલટ કર્યા બાદ સતત હિંસા ચાલી રહી છે. આ માહોલ વચ્ચે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી હતી. પીએમ મોદી અને જો બાઈડેન વચ્ચે યુક્રેન અને બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચર્ચા થઈ છે.

જો બાઈડેન સાથેની વાતચીતમાં પીએમ મોદીએ બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેમણે સોમવારે જો બાઈડેન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિનિમય કર્યો.

પીએમ મોદીએ શાંતિ અને સ્થિરતાની વહેલી વાપસી માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જો બાઈડેન સાથે તેમણે બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સલામતી સુનિશ્ચિત કરવા અને સામાન્ય સ્થિતિને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.