શેખ હસીનાના દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિંસા, 50થી લોકો ઘાયલ

August 27, 2024

શેખ હસીનાએ પદ અને દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આવું થતું જણાતું નથી. જ્યારે શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારે હિંદુઓ પર હુમલા શરૂ થઈ ગયા. આગચંપી, હિંસા, લડાઈ અને લૂંટફાટ જોવા મળી હતી. અંસાર જૂથના સભ્યો અને વિદ્યાર્થીઓ સામસામે આવી જતાં પરિસ્થિતિ કાબૂમાં પણ આવી ન હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રવિવારે રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સચિવાલય પાસે એકત્ર થયેલા વિદ્યાર્થીઓ અને અંસાર સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની જ્યારે હજારો વિદ્યાર્થીઓ હાથમાં લાકડીઓ લઈને સચિવાલય તરફ કૂચ કરવા લાગ્યા. વિદ્યાર્થીઓએ સચિવાલય તરફ કૂચ શરૂ કરી હતી કારણ કે અંસાર જૂથના સભ્યોએ સચિવાલય પર કબજો કરી લીધો હતો.

અન્સાર સભ્યોએ સચિવાલયનો ગેટ બંધ કરી દીધો હતો અને અંદર રહેલા સરકારી અધિકારીઓને બહાર આવવા દેવામાં આવ્યા ન હતા. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ પણ અંદર કેદ થઈ ગયા હતા. અંદર કેદ થયેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને સચિવાલય આવવાની અપીલ કરી હતી, જેના પછી હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.