વડોદરામાં પૂરના પાણી ઉતર્યાના 48 કલાક બાદ પણ ફતેગંજમાં ગેસ પુરવઠો હજુ ઠપ્પ

August 30, 2024

વડોદરા : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા પછી પણ નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. પાલિકા તંત્ર દ્વારા અનેક કામગીરી ઝડપથી ન થતા નાગરિકો હવે લાચારીનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં એક પછી એક ફરિયાદો પૂરના પાણી ઓસર્યા બાદ સતત વધી રહી છે.


પૂરના પાણી ઉતરી ગયાના 48 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ફતેગંજ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેસ પુરવઠો હજુ પૂર્વવત થઈ શક્યો નથી. અહીં રહેતા લોકોએ પોતાના જમવા અને ચા-નાસ્તા માટે અન્ય સંબંધીઓ અથવા પાડોશીઓ પર આધાર રાખવો પડી રહ્યો છે. એક તરફ હાલ આ વિસ્તારમાં કોર્પોરેશનનું પીવાનું પાણી આવી રહ્યું નથી ત્યારે બીજી તરફ લોકો બહારનું ખાવાનું પણ નકારી રહ્યા છે. તો હવે ગેસ ઉપલબ્ધ ન થઈ હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. ફતેગંજના સદર બજાર, પત્રકાર સોસાયટી સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો ક્યારે રાબેતા મુજબ શરૂ થશે? તે અંગે તંત્ર ચોક્કસ જવાબ આપી રહ્યું નથી.