ખેડૂત આંદોલનના 200 દિવસ પૂરા, શંભુ બોર્ડર પર ફરી આંદોલનના એંધાણ

August 31, 2024

શંભુ બોર્ડર પર ઘણા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા છે. શંભુ બોર્ડર પર આંદોલનના 200 દિવસ પૂરા થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને મોટા પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતોના આ પ્રદર્શનમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટ પણ જોડાય તેવી શક્યતા છે. ખેડૂતોના આ મોટા પ્રદર્શનમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા સન્માનિત કરવામાં આવી શકે છે.

ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ પરંતુ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેમના સંકલ્પની પરીક્ષા કરી રહી છે અને તેમની માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી. પંઢેરે કહ્યું, "અમે ફરી એકવાર સરકાર સમક્ષ અમારી માંગણીઓ રજૂ કરીશું અને નવી જાહેરાતો પણ કરવામાં આવશે."

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિરોધના 200 દિવસ પૂરા થવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તો બીજી બાજુ બોલીવુડ અભિનેત્રી અને BJP સાંસદ કંગના રનૌત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને અભિનેત્રી વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. જેના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદનો મધપુડો એકવાર ફરી છંછેડાયો હતો.