યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ફરી ઝટકો, નેમ પ્લેટ વિવાદ મામલે સ્ટે યથાવત્

July 26, 2024

મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાન માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવવાાના આદેશ પર અગાઉનો સ્ટે યથાવત્ રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારને આ મામલે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ સોમવારે થશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્ રહેશે.

આજે (26 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારે નેમ પ્લેટના નિર્ણય પર જવાબ આપતાં કહ્યું હતું કે, 'પારદર્શિતા લાવવા, સંભવિત ભ્રમથી બચવા અને શાંતિપૂર્ણ યાત્રાને સુનિશ્ચિત કરવા માટેનો આ વિચાર હતો. અગાઉ ગેરસમજને કારણે ઝઘડા અને તણાવની સ્થિતિ સર્જાઈ છે. એટલે ફરી આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે(સરકારે) નેમ પ્લેટ લખવાની સૂચના આપી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 71 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.'

જસ્ટિસ ઋષિકેશ રોય અને એસ. વી. એન. ભાટીની બેન્ચે કહ્યું કે, '22 જુલાઈના આદેશ પર કોઈ સ્પષ્ટતા કરાશે નહીં કારણ કે અમે(બેન્ચ) 22 જુલાઈના અમારા આદેશમાં જે કંઈ કહેવાની જરૂર હતી તે કહી દીધું હતું.' તેમજ કોર્ટે ફરી પોતાના આદેશમાં કહ્યું કે 'નામ જાહેર કરવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં.' હવે આ મામલે આગામી સુનાવણી 5 ઑગસ્ટ, સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.