મુંબઈ ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, અનેક લોકોનું સ્થળાંતર

July 25, 2024

મુંબઈ  : દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર મુશળધાર વરસાદને પગલે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.

ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. તેમજ વાહનો પણ અટવાયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ MAFCO માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. 

મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ 66.77 ટકા થઈ ગયો છે. તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સગ્રહમાં વધારો થયો છે. મોડકસાગર તળાવ પણ ઓવરફ્લો થવાના આરે છે.