હેરિસે ઝૂમ કૉલ રેકોર્ડ તોડ્યો, 1.64 લાખ મહિલાઓએ 20 લાખ ડોલર ભેગા કરી આપ્યા

July 26, 2024

ન્યૂ યોર્ક ઃ આગામી નવેમ્બરમાં યોજાવા જઈ રહેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વિશે દરરોજ નવાનવા અને રસપ્રદ સમાચાર આવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર એવા કમલા હેરિસના ચૂંટણી ભંડોળ માટે યોજાયેલી એક ઇવેન્ટમાં રેકોર્ડ સર્જાયો છે. કમલા હેરિસ માટે ચૂંટણી ભંડોળ એકત્ર કરવાને ઈરાદે 'વ્હાઈટ વુમન: આન્સર ધ કોલ' નામની ઝૂમ ફંડ રેઈઝિંગ ઈવેન્ટ યોજાઈ હતી. કોવિડ કાળ દરમિયાન આપણે સૌ જેનાથી પરિચિત થયા હતા એવી ઝૂમ એપની ગુરુવારે રાત્રે યોજાયેલી ઓનલાઇન મીટિંગમાં રેકોર્ડતોડ મહિલાઓએ ભાગ લઈને આ ઇવેન્ટને અધધધ સફળ બનવી હતી. કુલ મળીને 164,000 થી વધુ સહભાગીઓએ આ મીટિંગમાં હાજરી આપીને કમલા હેરિસ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં, કમલા હેરિસના ચૂંટણી-પ્રચાર માટે આ ઇવેન્ટ દ્વારા 20 લાખ ડોલરનો તોતિંગ ફાળો પણ ભેગો કરવામાં આવ્યો હતો, એ પણ ફક્ત 90 મિનિટમાં. ઓનલાઇન ઇવેન્ટના ઈતિહાસમાં 164,000 માણસો જોડાયા હોય એવી આ પહેલી ઘટના છે. 


ગાયિકા ‘પિંક’ અને અભિનેત્રી ‘કોની બ્રિટન’ જેવી લોકપ્રિય અમેરિકન હસ્તીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઈ હતી. હાસ્ય કલાકાર ‘કેરોલ લીફ’ આ મીટિંગમાં જોડાઈ હતી. એણે જ 5 લાખ ડોલરનું ડોનેશન આપવાનું વચન આપીને ફંડ એકઠા કરવાના શુભ કામની શરૂઆત કરી હતી, જેથી બીજાને પણ વધારે ડોનેશન આપવાની પ્રેરણા મળે. પિંકે કહ્યું હતું કે, રાજકારણમાં મહિલાઓના મંતવ્યને હજુ વધુ મહત્વ મળવું જોઈએ.