વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત

July 25, 2024

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 13.15 ઇંચ, પલસાણામાં 9.25 ઈંચ, માંગરોળ અને બારડોલીમાં 9 ઈચ વરસાદને પગલે જિલ્લાના 132 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં 9.9 ઈંચ અને નવસારી વાંસદામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે. પાંચ જિલ્લામાં 300 વધુ રસ્તા, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

સુરતમાં સતત ચોથા દિવસે વરસાદની બેટીંગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. શહેરમાં 5.25 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ઓસરી રહ્યા નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે સીમાડા ખાડી છલકાઈ જતા કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર જેવી સ્થિતિ છે. શહેરમાં જ 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા નથી. પલસાણાના ચલથાણ ગામની ખાડીમાં તણાઈ જતા બાવન વષીય સંજય ભાઉરાવ પવારનું મોત નીપજ્યું છે. જ્યારે માંડવી તાલુકાના મોરણ ખાડી પર માછલી પકડવા ગયેલા જુના કાકરાપાર બંગલા ટોઇ ફળિયાના 42 વર્ષના પરેશ માધુભાઈ ચૌધરી અને 52 વર્ષના અજીત વંશીભાઈ ચૌધરી તણાઇ ગયા હતા.