તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

July 26, 2024

નવસારી : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે(26 જુલાઈ) તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે વ્યારાના માર્ગ પર, વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિર, એસજી હાઈસ્કૂલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપીમાં ભારે વરસાદની સ્થિતિમાં પાણીના પ્રવાહમાં ઢોર ઢાંખર તણાયા હોવાનું જાણવા મળ્યું છે. ધોધમાર વરસાદથી છીડિયા ગામ, પેરવડ ગામ અને કાંજણ ગામની પંચાયતમાં પાણી ભરાયા છે. મધ્ય ગુજરાત સહિત વડોદરામાં બે દિવસથી વરસેલા ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના લીધે શહેરી વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે નવસારીમાં પૂર્ણા નદીમાં પાણીની આવક થતાં નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પિનસાડ સહિતના કેટલાક ગામોમાં પાણી ફરી વળતાં સંંપર્ક વિહોણા બન્યા છે.