બ્રાઝિલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં 39 લોકોનાં મોત, બચાવકાર્ય પૂરજોશમાં

May 04, 2024

રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઈમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થિતિને જોતા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું, 'અમે અમારા ઈતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલુ છે પરંતુ અફસોસની વાત એ છે કે મૃત્યુઆંક વધી શકે છે.

બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 626 સૈનિકો સાથે 12 એરક્રાફ્ટ, 45 વાહનો અને 12 બોટ તૈનાત કરાયા છે. રસ્તાઓ સાફ કરવા, ખોરાક, પાણી અને ગાદલાં જેવા આવશ્યક પુરવઠોનું વિતરણ અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દરમિયાન, રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતા છે. જો આમ થાય તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે. વરસાદને કારણે ઘણા સમુદાયો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.