મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાને લેવા પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલોટ ઈજાગ્રસ્ત

May 03, 2024

રાયગઢ - લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાયગઢથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શિવસેનાના (ઉદ્ધવ જૂથ) નેતાને લેવા પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના વખતે હેલિકોપ્ટરમાં બે પાયલોટ સવાર હતા, જેમાં તે બંનેને ઈજા થઈ હતી. અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના રાયગઢમાં આજે (ત્રીજી મે) સવારે હેલિકોપ્ટર શિવસેના (ઉદ્ધવ)ના નેતા સુષમા અંધારેને લેવા પહોંચ્યું ત્યારે લેન્ડિંગ વખતે અચાનક ક્રેશ થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરે લેન્ડિંગ વખતે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બાદમાં તે ક્રેશ થઈ ગયું. આ ઘટના વખતે હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા, જેમને ઈમરજન્સી મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. હવે તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. આ ઘટના અંગે રાયગઢના એસપી સોમનાથ ખડગેએ જણાવ્યું હતું કે, 'શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષમા અંધારેને લેવા માટે આવેલું હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરના પાયલોટને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે સુષમા અંધારે સંપૂર્ણ સુરક્ષિત છે.'