એક દાયકામાં જાતીગત સમીકરણોમાં મોટાપાયે ફેરફાર : ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકસાન

May 03, 2024

દિલ્હી : લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં પહોંચી છે ત્યારે નેતાઓના ભાષણોની સાથે સાથે મતોના વિભાજનનું ચિત્ર પણ રસપ્રદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે જાતીગત સમીકરણો અંગે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. એકબીજાની સામે જાતીગત નુકસાન પહોંચાડવાના આરોપો પણ મુકાઈ રહ્યા છે.  આ તમામ વાતો અને સ્થિતિ વચ્ચે આંકડા ઉપર નજર કરીએ તો કોંગ્રેસને ઘણું નુકસાન ગયું છે. સવર્ણોને બાદ કરીએ તો પણ બાકીના જાતીગત મતદારો દ્વારા પણ કોંગ્રેસને આપવામાં આવતા મતમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દસ વર્ષના જ આંકડા ઉપર નજર કરીએ તો કોંગ્રેસને મળતા ઓબીસીના વોટમાં નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ભાજપને મળેલા ઓબીસી વોટ છેલ્લાં એક દાયકામાં બમણા થઈ ગયા છે. તેની સાથે સાથે સવર્ણો દ્વારા કોંગ્રેસને આપવામાં આવતા મતમાં પણ 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસને એસસી અને એસટી મતદારો દ્વારા જે મત મળતા હતા તેમાં પણ દસ વર્ષમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ભાજપને મળતા એસસી મતોમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.  કોંગ્રેસ દ્વારા ઘણા સમયથી જાતીગત વસતી ગણતરીની માગણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સમયાંતરે એ બાબતે પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે, જાતીગત અનામતનો લાભ વધારે પ્રમાણમાં ઓબીસી સમુદાયને જ મળવો જોઈએ. આ લાભ તેમના પૂરતો જ સિમિત હોવો જોઈએ.