ગુજરાત આવી રહેલા ઓઈલ ટેન્કર પર હૂતી બળવાખોરોનો મિસાઈલ હુમલો

April 28, 2024

રાતા સમુદ્રમાં યમનના સમર્થિત હૂતી બળવાખોરોનો આતંક સમાપ્ત નથી થઈ રહ્યો. હૂતિ બળવાખોરોએ એકવાર ફરી કોમર્શિય શિપને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાતા સમુદ્રમાં ભારત લઈ જવાતા ઓઈલ ટેન્કર પર હૂતીઓએ મિસાઈલ છોડી હતી. આ ટેન્કર ભારત આવી રહ્યું હતું. આ મિસાઈલ હુમલામાં જહાજને નુકસાન થયું છે. બ્રિટિશ સમુદ્રી સિક્યોરિટી ફર્મે પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે.

જહાજના માલિકે જણાવ્યું કે હૂતી બળવાખોરોના મિસાઈલ હુમલાને લીધે ટેન્કરને ખૂબ નુકસાન પહોંચ્યું છે. યમનના હૂતી બળવાખોરો ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઈનીઓને સમર્થન આપી રહ્યા છે. એટલા માટે તેઓ આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરી રહ્યા છે. જેના કારણે ધંધા પર ભારે અસર પડી રહી છે.

હૂતીના પ્રવક્તા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે પનામા-ધ્વજવાળું જહાજ બ્રિટિશ માલિકીનું હતું, પરંતુ LSEG ડેટા અને એમ્બ્રેના શિપિંગ ડેટા દર્શાવે છે કે તે તાજેતરમાં વેચવામાં આવ્યું હતું. તેના વર્તમાન માલિક સેશેલ્સ રજિસ્ટર્ડ છે. ટેન્કર રશિયા સાથે સંબંધિત વેપારમાં રોકાયેલું છે. એમ્બ્રેએ જણાવ્યું હતું કે તે રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના ગુજરાતના વાડીનાર જઈ રહી હતી. આ પહેલા શુક્રવાર, 26 એપ્રિલના રોજ, હુથિઓએ દાવો કર્યો હતો કે તેઓએ યમનના સાદા પ્રાંતની એરસ્પેસમાં અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડ્યું હતું.