સાઉથ આફ્રિકા જ્યોર્જ શહેરમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 59 લોકો દટાયા

May 08, 2024

દક્ષિણ આફ્રિકાના જ્યોર્જ શહેરમાં એક નિર્માધાણીન ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના રાજધાની કેપટાઉનથી 400 કિલોમીટર દૂર બની હતી. અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ઈમારતનો એપાર્ટમેન્ટ ધસી જતા એના કાટમાળમાં 59 લોકો દટાઈ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે જઈ રાહત અને બચાવની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 10 લોકોને ભારે જહેમત બાદ કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડયા હતા. આ 10 પૈકી પાંચ લોકોને ગંભીર ઈજાઓ થયાનું સામે આવ્યું છે.

જ્યોર્જ નગરપાલિકાના નિવેદન અનુસાર, ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ, રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ ઈમારત નગરપાલિકાની કચેરીની નજીક આવેલી છે. નગરપાલિકાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઘણાબધા લોકો ઘાયલ થયા છે. ઈમારત આશરે ચારથી પાંચ માળની હતી. તેમને વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોનો સાચો આંકડો હજી સત્તાવાર સામે આવ્યો નથી. અને ઘટનાસ્થળે ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.

ઈમારત દુર્ઘટના અંગે દક્ષિણ આફ્રિકાની સરકાર નજર રાખી રહી છે અને ઘટનાસ્થળે સ્થાનિક અધિકારીઓને મદદ માટે જરૂરી સંશાધન રવાના કર્યા છે. સ્થાનિક સરકારના પ્રમુખ એલેન વિંડે કહ્યું કે હાલ લોકોનો જીવ બચાવવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા છે. જેથી ઈમરજન્સી વિભાગની ટીમ બચાવ કાર્યમાં જોતરાઈ છે.