ગાઝામાં યુદ્ધવિરામની વાતચીત ખોરવાઈ, ઇઝરાયેલે રાફા પર એર સ્ટ્રાઇક કરી

May 07, 2024

ઇઝરાયેલની સેનાએ સોમવારે રાફા પર હવાઈ હુમલા કરી દીધા હતા. રાફાના લોકો દ્વારા આ બાબતની પુષ્ટિ થઈ છે પણ ઇઝરાયેલ તરફથી કશી ટિપ્પણી કરવામાં નથી આવી. ઇઝરાયેલી સેનાના હવાઈ હુમલાના પરિણામે બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે થઈ રહેલી સીઝફાયરની વાતચીત ખોરવાઈ ગઈ છે.

હુમલા પહેલાં ઇઝરાયેલી સેનાએ હજારો પેલેસ્ટિનિયન લોકોને સૂચના આપી હતી કે તેઓ દક્ષિણી ગાઝા શહેર રાફાને ખાલી કરી દે. આ સૂચનાના કારણે એવા સંકેત મળ્યા હતા કે અહીં ટૂંક સમયમાં ઇઝરાયેલી સેના હુમલો કરી શકે છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વિવાદનો મુખ્ય મુદ્દો યુદ્ધવિરામના સમયગાળાને લગતો છે. હમાસની માગણી છે કે ઇઝરાયેલ યુદ્ધ અટકાવી દે, જ્યારે ઇઝરાયેલ જ્યાં સુધી હમાસ હાર ન માની લે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવા પર ભાર મૂકી રહ્યું છે. ઇઝરાયેલે સાત મહિનાના યુદ્ધ બાદ રાફાને હમાસનો અંતિમ મહત્ત્વનો ગઢ ગણાવ્યો છે.